Gandhinagar News: ગુજરાતમાં સુશાસન અને પર્યાવરણના સમન્વય સાથે વિકાસની નવી કેડ કંડારવા માટે તાજેતરમાં ગાંધીનગરમાં બે મહત્વની ગતિવિધિઓ આકાર પામી. એક તરફ મુખ્યમંત્રી પેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વન વિભાગની બે દિવસીય 'ચિંતન શિબિર'નું સમાપન થયું, તો બીજી તરફ રાજ્યના આર્થિક અને ટેકનોલોજીકલ ભવિષ્યને મજબૂત કરવા તાઈવાન સાથે ઐતિહાસિક સમજૂતી કરવામાં આવી.
વન વિભાગની ચિંતન શિબિર: 'ગ્રીન ગુજરાત' માટે નવો રોડમેપ
ગાંધીનગરમાં યોજાયેલી વન વિભાગની બે દિવસીય ચિંતન શિબિરમાં ડીએફઓ (DFO) કક્ષાના અધિકારીઓએ પર્યાવરણ સંરક્ષણ માટે ગહન મંથન કર્યું. મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, "ગુડ ગવર્નન્સ માટે સતત ચિંતન જરૂરી છે." છેલ્લા 12 વર્ષમાં વન વિસ્તાર બહારના વૃક્ષોમાં 47 ટકાનો વધારો નોંધાયો છે. રાજ્યના કુલ વન વિસ્તારને 11% થી વધારીને 13% સુધી લઈ જવાનું લક્ષ્ય છે.
મંત્રી અર્જુન મોઢવાડીયાએ જાહેરાત કરી કે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 8 થી 10 હાઇટેક નર્સરી તૈયાર કરાશે. જેમાં એગ્રો, હોર્ટિકલ્ચર અને વન વિભાગ એમ ત્રણેય પ્રકારના મોટા છોડ ઉછેરાશે જેથી છોડના જીવંત રહેવાનો દર વધે. ગુજરાતના વિશાળ દરિયાકિનારે વધારાના 1 લાખ હેક્ટરમાં મેન્ગ્રુવ અને 1 લાખ હેક્ટરમાં ગ્રાસલેન્ડ વિકસાવવાનું આયોજન છે. રાજ્યમાં ઇકો ટુરિઝમની અપાર સંભાવનાઓને પીપીપી (PPP) મોડલ દ્વારા વેગ આપી લોકોની આજીવિકા વધારવામાં આવશે. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વિકાસ અને પર્યાવરણ એકબીજાના વિરોધી નથી પણ પૂરક છે. ટેકનોલોજીના માધ્યમથી બંઝર જમીનને હરિયાળી બનાવી ગ્લોબલ વોર્મિંગ સામે લડવું એ જ આપણો સંકલ્પ છે.
વડાપ્રધાનના ‘બેક ટુ બેઝિક, બેક ટુ નેચર અને મિશન લાઈફ’ના મંત્રનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, જીવનશૈલીમાં પર્યાવરણને મુખ્ય સ્થાન આપીને જીવનશૈલી પર્યાવરણલક્ષી લાઈફ સ્ટાઈલની આવશ્યકતા સમજાવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે,ગ્રીન કવર વધારીને જ ગ્લોબલ વોર્મિંગની વિનાશક અસરોમાંથી પોતાને અને આવનારી પેઢીઓને બચાવી શકાશે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યુ કે, પર્યાવરણ સંરક્ષણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘એક પેડ માં કે નામ’ જેવા અભિયાનોની શરૂઆત કરાવી છે. આવા પર્યાવરણલક્ષી અભિયાનોના સકારાત્મક પરિણામોથી છેલ્લા 12 વર્ષમાં રાજ્યમાં વન વિસ્તાર બહારના વૃક્ષોની સંખ્યામાં 47 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે.
મુખ્યમંત્રીએ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા બંઝર જમીનમાં વધુને વધુ વૃક્ષો વાવીને રાજ્યને હરિયાળું બનાવવા પણ આહવાન કર્યુ હતું. તેમણે કહ્યું કે, વડાપ્રધાનના અવિરત પ્રયાસો અને દિશાદર્શનના કારણે નાગરિકોમાં પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ આવી છે. વૃક્ષારોપણ, પાણી સંરક્ષણ અને પર્યાવરણ જાળવણીના કાર્યોમાં જનભાગીદારી વધી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા વિકસિત ભારતના સંકલ્પમાં વન વિભાગના પ્રયાસથી પર્યાવરણ સુરક્ષા સાથે ગુજરાત અગ્રેસર બનીને લીડ લેશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.
સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતની મોટી છલાંગ: તાઈવાન સાથે MOU
ગુજરાતને વૈશ્વિક ટેકનોલોજી હબ બનાવવાના પ્રયાસોના ભાગરૂપે તાઈવાન ચેમ્બર ઓફ કોમર્સ અને ગુજરાતના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ વચ્ચે મહત્વના MOU થયા છે. આ કરાર હેઠળ ગુજરાતમાં સેમિકન્ડક્ટર પાર્કનું નિર્માણ થશે, જેમાં અંદાજે 1 હજાર કરોડ રૂપિયાનું રોકાણ આવશે. આ પ્રોજેક્ટથી રાજ્યના યુવાનો માટે મોટાપાયે રોજગારીની નવી તકો ઊભી થશે. ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર થવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પને સાકાર કરવામાં આ પાર્ક અત્યંત ઉપયોગી સાબિત થશે.
એક તરફ વન વિભાગ દ્વારા 'વન કવચ' અને નર્સરી કલ્ચરને પ્રોત્સાહન આપીને પર્યાવરણ સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે, તો બીજી તરફ હાઇ-ટેક સેમિકન્ડક્ટર ઉદ્યોગ દ્વારા આર્થિક સમૃદ્ધિના દ્વાર ખોલવામાં આવી રહ્યા છે. મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયા અને વહીવટી તંત્રના આ પ્રો-એક્ટિવ અભિગમથી 'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત @2047'નો લક્ષ્યાંક હવે વધુ નજીક જણાય છે.





