Palanpur: બનાસકાંઠા જિલ્લાના રાજકારણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગે તે પહેલા જ મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે. પાલનપુર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના મજબૂત ગઢ ગણાતા વોર્ડ નંબર 1માં કોંગ્રેસે મોટું ગાબડું પાડીને ભાજપને જોરદાર ઝટકો આપ્યો છે. ભાજપના પીઢ નેતાઓ અને પૂર્વ કોર્પોરેટરોએ કેસરિયો ત્યાગી પંજો પકડતા પાલનપુરનું રાજકારણ ગરમાયું છે.
વર્ષોના સાથીઓએ છોડ્યો સાથ
પાલનપુર નગરપાલિકામાં છેલ્લા ચાર ટર્મથી ભાજપની ટિકિટ પર સતત ચૂંટાઈ આવતા અને પક્ષમાં મજબૂત પકડ ધરાવતા કોર્પોરેટરોએ પક્ષ પલટો કર્યો છે. જેમાં મુખ્યત્વે શાંતિભાઈ માળી વોર્ડ નંબર1 ના પૂર્વ કોર્પોરેટર અને વિસ્તારના લોકપ્રિય નેતા. આશિષ માળી નગરપાલિકાના પાણી પુરવઠા સમિતિના પૂર્વ ચેરમેન અને સક્રિય આગેવાન. આ દિગ્ગજ નેતાઓએ પોતાના મોટી સંખ્યામાં સમર્થકો સાથે વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. આશિષ માળી અને શાંતિભાઈ માળીના જવાથી ભાજપને તેના સૌથી સુરક્ષિત ગણાતા વોર્ડમાં મોટી ખોટ પડી છે.
60 જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
માત્ર નેતાઓ જ નહીં, પરંતુ ભાજપની વિચારધારા સાથે વર્ષોથી જોડાયેલા વોર્ડ નંબર 1 ના 60 જેટલા સ્થાનિક કાર્યકરો અને રહીશો પણ ભાજપથી નારાજ થઈને કોંગ્રેસમાં જોડાયા છે. પક્ષમાં ઉપેક્ષા અથવા આંતરિક ખેંચતાણને કારણે આ નારાજગી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભાજપના ગઢમાં આ ગાબડું આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો પર મોટી અસર કરી શકે છે. વર્ષોથી ચૂંટાતા સભ્યોનું કોંગ્રેસમાં જવું એ ભાજપ માટે ચિંતાનો વિષય છે."
ચૂંટણી પહેલા ભાજપ બેકફૂટ પર?
સ્થાનિક રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે પાલનપુરમાં ભાજપના આંતરિક અસંતોષનો ફાયદો કોંગ્રેસને મળી રહ્યો છે. ચૂંટણી પહેલા જ પ્રભાવી નેતાઓના પક્ષ પલટાથી ભાજપના સંગઠનમાં દોડધામ મચી ગઈ છે, જ્યારે બીજી તરફ કોંગ્રેસમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ પોતાના આ ડેમેજ કંટ્રોલ માટે કેવા પગલાં ભરે છે અને આગામી ચૂંટણીમાં વોર્ડ નંબર ૧ ના મતદારો કોના પર કળશ ઢોળે છે.





