Home Gujarat Gandhidham Bjp Leader Deepesh Tripathi End Ed His Life Due To Hara Ssm Ent By Mo Neyl Enders

ગાંધીધામ ભાજપ નેતા આપઘાત કેસમાં મોટો ખુલાસો! : સ્યુસાઇડ નોટમાં 17 નામ સામે આવ્યા, પ્રથમ આરોપીની ધરપકડ

ગાંધીધામ ભાજપ નેતા આપઘાત કેસમાં મોટો ખુલાસો!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 09, 2026, 03:39 PM IST

Gandhidham : કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેરમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દીપેશ ત્રિપાઠીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને પોતાના જ નિવાસસ્થાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આ ઘટના બાદ પોલીસને એક સ્યુસાઇડ નોટ અને વીડિયો મળી આવ્યો છે, જેમાં ઘણા મોટા માથાઓ અને રાજકીય આગેવાનોના પુત્રોના નામ ખુલતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

આપઘાતની ઘટના

ગત 5 માર્ચના રોજ ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દીપેશ ત્રિપાઠીએ પોતાના ઘરે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવની જાણ થતાં જ પરિવાર અને સ્થાનિક લોકોમાં ભારે શોક વ્યાપી ગયો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસ શરૂ કરી હતી. શરૂઆતમાં કારણ અકબંધ હતું, પરંતુ ત્યારબાદ મળેલા પુરાવાઓએ કેસની દિશા બદલી નાખી.

સ્યુસાઇડ નોટમાં મોટા ખુલાસા

પોલીસને તપાસ દરમિયાન એક સ્યુસાઇડ નોટ મળી આવી છે. જેમાં મૃતક દીપેશભાઈએ પોતાના મોત માટે 17 જેટલા લોકોને જવાબદાર ગણાવ્યા છે. આ ચિઠ્ઠીમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, તેમને લાંબા સમયથી માનસિક અને આર્થિક ત્રાસ આપવામાં આવતો હતો, જેનાથી કંટાળીને તેમણે આ અંતિમ પગલું ભર્યું છે.

ભાજપ નેતાઓના પુત્રો પર આક્ષેપ

સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે, સ્યુસાઇડ નોટમાં બે સ્થાનિક ભાજપ નેતાઓના દીકરાઓના નામનો ઉલ્લેખ છે. ગાંધીધામ પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ દર્શન બળવંત ઠક્કરના પુત્ર અને શહેર ભાજપના પૂર્વ મહામંત્રી કલ્પેશ મૂળજી સચદેના પુત્ર પર વ્યાજ મુદ્દે સતત દબાણ અને ત્રાસ આપવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.

ઊંચા વ્યાજે દાગીના પડાવ્યા

મળતી માહિતી મુજબ, દીપેશભાઈ બાલાજી વેફર્સની એજન્સી ચલાવતા હતા. આર્થિક સંકડામણને કારણે કેટલાક લોકો પાસેથી તેમણે ઊંચા વ્યાજે પૈસા લીધા હતા. સ્યુસાઇડ નોટમાં આરોપ છે કે, વ્યાજખોરોએ તેમની પાસેથી સોના-ચાંદીના દાગીના પણ પડાવી લીધા હતા. આ સતત આર્થિક શોષણ અને દબાણના કારણે તેઓ ભારે તણાવમાં હતા.

પ્રથમ આરોપીની ધરપકડ

આ કેસમાં પોલીસે 17 આરોપીઓ સામે ફરિયાદ નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પૂર્વ કચ્છ અંજાર વિભાગના DYSP મુકેશ ચૌધરીના જણાવ્યા અનુસાર, પોલીસે લોન પેટે મોટી રકમ મેળવી આર્થિક સંકડામણ ઊભી કરનાર આરોપી પ્રકાશ મોદીની અટકાયત કરી લીધી છે. અન્ય નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો કામે લાગી ગઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now