ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહારો કર્યો છે. તેમણે કહ્યું કે, ''ગુજરાતની ભાજપ સરકાર અને તેના ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતને કારણે, છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યભરમાં અનેક અકસ્માતો થયા છે, ગંભીરા પુલ અંગે સામાન્ય જનતા ઘણા સમયથી પ્રશ્નો ઉઠાવી રહી છે. અમારા નેતા અમિત ચાવડાએ પોતે અવાજ ઉઠાવ્યો હતો કે પુલ જર્જરિત છે, તેનું સમારકામ થવું જોઈએ, તે તૂટી શકે છે, પરંતુ ભાજપ સરકારે તેમની વાત સાંભળી નહીં. ગઈકાલના અકસ્માતમાં અત્યાર સુધીમાં 16 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 7 લોકો ગુમ છે''.
''...સ્થાનિક વહીવટીતંત્ર ગેરહાજર રહ્યું''
કોંગ્રેસના મેવાણીએ તંત્ર પર આક્ષેપો કર્યા કે, ''પુલ તૂટી પડ્યા પછી, એક મહિલા લગભગ 55 મિનિટ સુધી બૂમો પાડતી રહી, 'અમને બચાવો, અમારા પરિવારને બચાવો' આખરે, સ્થાનિક માછીમારોએ મહિલા અને તેના પરિવારને બચાવી લીધા અને સ્થાનિક વહીવટીતંત્ર ગેરહાજર રહ્યું''.
'માણસના જીવની કિંમત ફક્ત 4 લાખ...'
તેમણે કહ્યું કે, ''લગભગ 3 વર્ષ પહેલાં, સરકારની બેદરકારીને કારણે મોરબીમાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા. રાજકોટમાં, જનતાએ ચેતવણી આપી હતી, પરંતુ સરકારે કોઈ ધ્યાન આપ્યું નહીં, આખરે ગેમિંગ ઝોનમાં આગ લાગવાથી ઘણા લોકોએ જીવ ગુમાવ્યા, વડોદરામાં, હોડી પલટી જવાથી બાળકો સહિત 14 લોકોના મોત થયા હતા. તો થોડા મહિના પહેલા, ડીસામાં એક ફેક્ટરીમાં આગ લાગવાથી લગભગ 22 લોકોના મોત થયા હતા.
એવું લાગે છે કે ગુજરાતની ભાજપ સરકારે નક્કી કર્યું છે કે જો તમે ગુજરાતમાં અકસ્માતનો ભોગ બનો છો, તો તમારે પોતાનો જીવ ગુમાવવો પડશે અને 4 લાખ રૂપિયાનું વળતર લેવું પડશે - એટલે કે અહીં એક સામાન્ય માણસના જીવનની કિંમત ફક્ત 4 લાખ રૂપિયા છે''.

_806ae982-632e-47d2-87ab-37d17fce7618.jpg)




