Home Gujarat Gambhira Bridge Accident Pmo And Cm Bhupendra Patel Announce Assistance

ગંભીરા બ્રિજ દુર્ઘટના; PMO અને CM ભૂપેન્દ્ર પટેલે સહાયની કરી જાહેરાત : CMએ કહ્યું 'સરકાર પ્રત્યેક પરિવારની સાથે પૂરી સંવેદનાથી પડખે ઉભી છે''

ગંભીરા બ્રિજ દુર્ઘટના; PMO અને CM ભૂપેન્દ્ર પટેલે સહાયની કરી જાહેરાત
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 09, 2025, 02:24 PM IST

ગુજરાતમાં આજે ફરી એકવાર પુલ તૂટી પડવાની ગંભીર દુર્ઘટના બની છે. મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતા  મહીસાગર નદી પરના પુલના બે કટકા થયા છે. જે સમગ્ર ઘટનાના તાગ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીએ મેળવ્યા છે. અત્રે જણાવીએ કે, 13  લોકોના મોત થયા છે જ્યારે 6થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.


કેન્દ્ર સરકારે પણ સહાયની કરી જાહેરાત
PMOએ પણ સહાયની જાહેરાત કરતા લખ્યું છે કે, ''ગુજરાતના વડોદરા જિલ્લામાં પુલ તૂટી પડવાથી થયેલ જાનહાનિ ખૂબ જ દુઃખદ છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. દરેક મૃતકના પરિવારને PMNRF તરફથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે''



CMએ સહાયની જાહેરાત કરી
મુખ્યમંત્રીએ સહાયની જાહેરાત કરી છે કે, ''આણંદ વડોદરાને જોડતા ગંભીરા બ્રિજનો એક ગાળો તૂટી જવાથી સર્જાયેલી દુઘર્ટના મનને અત્યંત વ્યથિત કરનારી છે, રાજ્ય સરકાર આ દુર્ઘટનાથી અસરગ્રસ્ત પ્રત્યેક પરિવારની સાથે પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે. તેમજ, દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલ પ્રત્યેકને 50,000 રૂપિયાની સહાય, ઉપરાંત તમામ સારવાર વ્યવસ્થા પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે''
23 ગાળા પૈકીનો 1 ગાળો તૂટી પડ્યો:CM
મુખ્યમંત્રીએ એક્સ પર પોસ્ટ  કરીને લખ્યુ છે કે, ''આણંદ અને વડોદરાને જોડતા ગંભીરા બ્રિજના 23 ગાળા પૈકીનો 1 ગાળો તૂટી પડવાથી સર્જાયેલી દુર્ઘટના દુ:ખદ છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરું છું. ઇજાગ્રસ્ત થયેલા લોકોની તત્કાલ સારવાર વ્યવસ્થા માટે વડોદરા કલેકટર સાથે વાતચીત કરીને અગ્રતા ક્રમે પ્રબંધ કરવાની સૂચનાઓ આપી છે''
''તાત્કાલિક તપાસના આદેશો આપ્યા છે''
વધુમાં લખ્યું કે, ''દુર્ઘટના સ્થળે બચાવ રાહત કામગીરી માટે સ્થાનિક નગરપાલિકા અને વડોદરા મહાનગરપાલિકાની ફાયરબ્રિગેડ ટીમ બોટ્સ અને તરવૈયાઓ સાથે કાર્યરત છે, તેમજ NDRF ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરીમાં જોડાઈ છે, આ દુર્ઘટના અંગે માર્ગ મકાન વિભાગને તાત્કાલિક તપાસના આદેશો આપ્યા છે''.
''ઇજનેરોની ટીમને ઘટનાસ્થળે પહોંચી''

તેમણે ઉમેર્યું કે, ''આ માટે ચીફ એન્જિનિયર - ડિઝાઇનર  તથા ચીફ ઇજનેર- સાઉથ ગુજરાત અને પૂલ નિર્માણમાં નિષ્ણાત અન્ય બે ખાનગી ઇજનેરોની ટીમને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બ્રિજ તૂટી પડવાના કારણો તથા અન્ય ટેકનિકલ બાબતો પર પ્રાથમિક તપાસ હાથ ધરી અહેવાલ આપવા સૂચના આપી છે''.
''PM મોદીએ  ટેલિફોનિક વાતચીત કરી''
મુખ્યમંત્રીએ  લખ્યું કે, ''વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના વિદેશ પ્રવાસ દરમિયાન મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને આણંદ-વડોદરાને જોડતા ગંભીરા બ્રિજની થયેલી દુર્ઘટના અંગે સંપૂર્ણ વિગતો મેળવીને આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે આ દુર્ઘટનામાં જે લોકો ઈજા પામ્યા છે તેમની સારવાર માટેની ચિંતા કરીને સારવાર પ્રબંધ અંગેની જાણકારી પણ મેળવી હતી. વડાપ્રધાનશ્રીએ બચાવ અને રાહત કામગીરી અંગે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલી કામગીરીની વિગતો પણ મેળવી હતી''

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now