Home Business Fuel Price Hike Neighboring Countries Pakistan China Bangladesh

પડોશી દેશોમાં ઈંધણનો હાહાકાર : પાકિસ્તાન-ચીનમાં પેટ્રોલના ભાવ આસમાને, બાંગ્લાદેશમાં શરૂ થયું રેશનિંગ

પડોશી દેશોમાં ઈંધણનો હાહાકાર
Published by: OBS Bureau
Last Updated: Mar 10, 2026, 02:30 PM IST

ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે તેલના પુરવઠામાં મોટી અડચણ ઉભી થઈ છે. હોર્મુઝ સ્ટ્રેટ પ્રભાવિત થવાને કારણે ભારત સહિત તેના પડોશી દેશોમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે ભારતે રશિયા અને અમેરિકા સાથેના વ્યૂહાત્મક સંબંધોને કારણે કિંમતો સ્થિર રાખી છે, ત્યારે પાકિસ્તાન, ચીન અને બાંગ્લાદેશ જેવા દેશોમાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે.

પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ભડકો

પાકિસ્તાનમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવ હવે સામાન્ય જનતાની પહોંચની બહાર જઈ રહ્યા છે. 7 માર્ચ 2026 થી અમલી બનેલા નવા ભાવ મુજબ, પેટ્રોલમાં પ્રતિ લીટર 55 રૂપિયાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. હવે ત્યાં પેટ્રોલ Rs 321.17 અને હાઈ-સ્પીડ ડીઝલ Rs 335.86 પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. આ સ્થિતિને પહોંચી વળવા પાકિસ્તાની વડાપ્રધાન શહેબાઝ શરીફે સરકારી કચેરીઓમાં અઠવાડિયામાં માત્ર 4 દિવસ કામ કરવાનો આદેશ આપ્યો છે, જેથી ઈંધણની બચત કરી શકાય.

ચીનમાં ઈંધણના ભાવમાં ઐતિહાસિક વધારો

વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક એવા ચીનમાં પણ તેલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. 10 માર્ચ 2026 થી અમલી બનેલા નવા નિયમો મુજબ, ગેસોલિનના ભાવમાં 695 યુઆન પ્રતિ મેટ્રિક ટનનો વધારો કરવામાં આવ્યો છે. હવે ચીનમાં 50 લિટરની ટાંકી ફૂલ કરાવવા માટે સામાન્ય નાગરિકોને અંદાજે 29 યુઆન વધારાના ખર્ચવા પડી રહ્યા છે. વર્ષ 2022 પછી આ સૌથી મોટો ભાવવધારો માનવામાં આવે છે.

બાંગ્લાદેશમાં ઈંધણનું રેશનિંગ શરૂ

બાંગ્લાદેશમાં તારિક રહેમાનની નવી સરકારને ઈંધણના પુરવઠા માટે કડક નિર્ણયો લેવા પડ્યા છે. ત્યાં ઈંધણની અછત ઉભી થતા રેશનિંગ લાગુ કરવામાં આવ્યું છે. હવે કાર ચાલકોને દિવસનું માત્ર 10 લિટર અને મોટરસાયકલ સવારોને માત્ર 2 લિટર પેટ્રોલ મળી રહ્યું છે. બાંગ્લાદેશ પોતાની જરૂરિયાતનું 95% ઈંધણ આયાત કરે છે, તેથી યુદ્ધના કારણે સપ્લાય ખોરવાયો છે. જોકે, ભારતે મિત્રતા પાઈપલાઈન દ્વારા 5,000 ટન ડીઝલ મોકલીને મદદનો હાથ લંબાવ્યો છે.

નેપાળ અને શ્રીલંકાની સ્થિતિ

નેપાળ અને શ્રીલંકામાં કિંમતોમાં સામાન્ય વધારો થયો છે પરંતુ ત્યાં પુરવઠો હજુ જળવાયેલો છે. નેપાળમાં પેટ્રોલ NPR 157 અને શ્રીલંકામાં LKR 340 (95 ઓક્ટેન) ના ભાવે વેચાઈ રહ્યું છે. ભૂતાન અને માલદીવમાં પણ ભારત તરફથી મળતી સહાયને કારણે કિંમતો સ્થિર રાખવામાં સફળતા મળી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now