Friendship Day: ગુજરાતમાં દિન-પ્રતિદિન આપઘાતના કિસ્સાઓ સતત વધી રહ્યાં છે. એવામાં ફ્રેન્ડશીપ ડેના દિવસે બે મિત્રોની જોડી તૂટવાના સમાચારે માહોલ ગમગીન કરી દીધો. સુરત શહેરમાં ફ્રેન્ડશીપ ડેના દિવસે એક દુઃખદ ઘટના સામે આવી છે. ડિંડોલી વિસ્તારમાં રહેતા બે મિત્રોએ જીવનની પરેશાનીઓથી ત્રાસીને ઝેરી દવા પી તાપી નદીના બ્રિજ પરથી છલાંગ લગાવી હતી. જેમાંથી એક મિત્ર કૌસ્તુભ બાવને (ઉ.વ. 24)નું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે, જ્યારે બીજા મિત્ર સમીર મહંતો (ઉ.વ. 18)ની હાલ સારવાર ચાલી રહી છે.
શુક્રવારે 1 ઓગસ્ટે 2025ના રોજ સુરતમાં રહેતાં કૌસ્તુભ અને સમીર નામના બે મિત્રોએ મોતને વહાલું કરવાનો નિર્ણય લીધો હતો. જે અંતર્ગત બંને શુક્રવારે સાંજે રાંદેર ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર પહોંચ્યા હતા. બ્રિજ પર પહોંચીને બન્ને મિત્રોએ પહેલાં ઝેરી દવા પી લીધી અને પછી બ્રિજ પરથી તાપી નદીમાં ઝંપલાવ્યું હતું. ઝેરી દવા પીને બ્રિજ પરથી ઝંપલાવવા પાછળનો એમનો આશય એવો હતો કે ઝેરી દવાથી નહીં તો નદીમાં ડૂબવા પણ મોત થવું જ જોઈએ. પરંતુ પાણીની જગ્યાએ બંને જમીનના ભાગ પર પટકાયા હતા. ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
સારવાર દરમિયાન આજે કૌસ્તુભનું મોત નિપજ્યુંઃ
ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને બંનેને બહાર કાઢી સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં બંનેની સારવાર ચાલી રહી હતી. દરમિયાન આજે સવારે કૌસ્તુભનું મોત નિપજ્યું હતું. પરિવારના એકના એક દીકરાએ અચાનક આપઘાતનું પગલું ભરી લેતા શોકનો માહોલ છવાઈ ગયો હતો.
કૌસ્તુભ મહારાષ્ટ્રના જલગાંવનો વતની હતો અને સુરતના ડિંડોલીમાં પરિવાર સાથે રહેતો હતો. તેની નોકરી ગઈ હોવાથી તણાવમાં રહેતો હતો. સમીર ધો.10માં નાપાસ થયા બાદ આગામી પરીક્ષાની તૈયારીમાં તણાવ અનુભવી રહ્યો હતો. બંને મિત્રો પરસ્પર પોતાના તણાવ વિશે ચર્ચા કરતા અને અંતે જીવલેણ નિર્ણય લઈ બેઠા. ઘટનાએ માત્ર તેમની જ જિંદગીને અસર કરી નથી, પરંતુ તેમના પરિવાર અને આખા શહેરમાં શોક અને ચિંતાનું વાતાવરણ સર્જી દીધું છે. સમીરના પિતાનું 2019માં અવસાન થયા બાદ પરિવાર પહેલેથી જ મુશ્કેલીમાં હતો.
સુરત શહેરમાં છેલ્લા 4 દિવસમાં આત્મહત્યાના 3 કિસ્સામાં 5 લોકોના મોત થયા છે. શહેર પોલીસના અભ્યાસ મુજબ ઘરકંકાસ અને વ્યક્તિગત તણાવ આત્મહત્યાના મુખ્ય કારણો બને છે. વધતી ઘટનાઓને ધ્યાને લઈ સુરત પોલીસ દ્વારા 24 કલાક કાર્યરત હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં માનસિક આરોગ્ય અને તણાવ પ્રત્યેની સંવેદનશીલતાને મહત્વ આપવાની જરૂરિયાત સ્પષ્ટ કરી છે.






