Home Business Foxconn Iphone Factory Hiring Bengaluru Jobs Update

ભારતમાં Appleની મોટી છલાંગ : બેંગલુરુમાં ફોક્સકોને 30,000 લોકોને રોજગારી આપી, મહિલાઓ સંભાળી રહી છે મોરચો

ભારતમાં Appleની મોટી છલાંગ
Published by: OBS Bureau
Last Updated: Dec 22, 2025, 03:30 PM IST

તાઈવાનની પ્રખ્યાત ઇલેક્ટ્રોનિક્સ કંપની હોન હાઈ પ્રિસિઝન ઇન્ડસ્ટ્રી (ફોક્સકોન) દ્વારા કર્ણાટકના દેવનહલ્લી સ્થિત નવા આઈફોન પ્લાન્ટમાં રોજગારીની મોટી તક ઉભી કરવામાં આવી છે. આ પ્લાન્ટમાં છેલ્લા 8 થી 9 માસના સમયગાળામાં જ અંદાજે 30,000 કર્મચારીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે ભારતના ઇતિહાસમાં કોઈ એક પ્રોડક્શન યુનિટમાં આટલી ઝડપી અને મોટા પાયે થયેલી આ પ્રથમ ભરતી પ્રક્રિયા છે.

મહિલાઓ દ્વારા સંચાલિત વિશાળ ફેક્ટરી

આ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીની ખાસિયત એ છે કે ત્યાં અંદાજે 80 ટકા જેટલો સ્ટાફ મહિલાઓનો છે. 300 એકરમાં ફેલાયેલા આ વિશાળ પરિસરમાં કામ કરતા મોટાભાગના કર્મચારીઓ 19 થી 24 વર્ષની વયના છે અને તેઓ પોતાની કારકિર્દીની પ્રથમ નોકરી કરી રહ્યા છે. ચીન બહાર ફોક્સકોનનું આ સૌથી મોટું કેન્દ્ર માનવામાં આવે છે. આ ફેક્ટરીમાં શરૂઆતમાં આઈફોન 16 મોડલ્સનું ટ્રાયલ પ્રોડક્શન થયું હતું અને હવે ત્યાં પ્રીમિયમ આઈફોન 17 પ્રો મેક્સનું ઉત્પાદન પણ શરૂ કરી દેવાયું છે. અહીં તૈયાર થતા મોટાભાગના સ્માર્ટફોન્સને આંતરરાષ્ટ્રીય બજારમાં એક્સપોર્ટ કરવામાં આવે છે.

પ્રોજેક્ટ એલિફન્ટ હેઠળ રોજગારીની નવી આશા

ફોક્સકોનનો આ પ્લાન્ટ તેના ખાસ 'પ્રોજેક્ટ એલિફન્ટ'નો હિસ્સો છે જેમાં જંગી મૂડીરોકાણ કરવામાં આવ્યું છે. કંપની આ યુનિટમાં કુલ કર્મચારીઓની સંખ્યા 50,000 સુધી લઈ જવાની યોજના ધરાવે છે. કર્મચારીઓના નિવાસ માટે કેમ્પસમાં જ 6 મોટા ડોરમેટરી બનાવવામાં આવ્યા છે જેમાંથી ઘણા કાર્યરત છે અને અન્ય સુવિધાઓને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે.

આકર્ષક વેતન અને ટાઉનશીપ જેવી સુવિધાઓ

આ પ્રોજેક્ટને એક આત્મનિર્ભર ટાઉનશીપ તરીકે વિકસાવવામાં આવ્યો છે જેમાં ફેક્ટરીની અંદર જ રહેવાની વ્યવસ્થા, મેડિકલ સેવાઓ, સ્કૂલિંગ અને મનોરંજનના સાધનો ઉપલબ્ધ રહેશે. અહેવાલ મુજબ અહીં કામ કરતા કર્મચારીઓને માસિક 18,000 રૂપિયાનો પગાર મળે છે. આ ઉપરાંત તેમને મફત રહેઠાણ અને સબસિડીવાળું ભોજન પણ પૂડું પાડવામાં આવે છે. કંપનીનો ઉદ્દેશ્ય પાડોશી રાજ્યોની મહિલાઓને વધુમાં વધુ રોજગારી આપીને આ પ્લાન્ટનું વિસ્તરણ કરવાનો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now