Home Gujarat Four Legged Terror Strikes Again In Amreli District

અમરેલી જિલ્લામાં ફરી ચાર પગનો આંતક! : 14 વર્ષની બાળકી પર સિંહણનો હુમલો, દીકરી સારવાર હેઠળ

અમરેલી જિલ્લામાં ફરી ચાર પગનો આંતક!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 26, 2026, 07:33 AM IST

અમરેલી જિલ્લામાં ફરી એકવાર ચાર પગના આંતકનો ખતરો સામે આવ્યો છે. લાઠી તાલુકાના ઇંગોરાળા ગામથી ભીંગરાડ ગામ વચ્ચેના વિસ્તારમાં ખેતરમાં કામ કરતી વખતે એક વન્યપ્રાણી સિંહણ દ્વારા 14 વર્ષની બાળકી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના સમયે બાળકી કપાસ લણવાની મજૂરી કરી રહી હતી. હુમલાનો ભોગ બનેલી બાળકીનું નામ રૂખીના કેદુભાઈ હોવાનું જાણવા મળ્યું છે, જે પરપ્રાંતિય મજૂરની દીકરી છે અને પરિવાર સાથે આ વિસ્તારમાં રહીને મજૂરી કામ કરે છે.

બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ

અચાનક સિંહણ આવી પહોંચતા બાળકી પર હુમલો કર્યો હતો, જેમાં સિંહણે તેના બન્ને પગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઘટનાથી ખેતરમાં કામ કરતા અન્ય મજૂરોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઇજાગ્રસ્ત હાલતમાં બાળકીને તાત્કાલિક દામનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે અમરેલી રિફર કરવામાં આવી છે. બાળકીની હાલતને લઈને પરિવારજનોમાં ચિંતા અને ભયનો માહોલ છવાયો છે.

વન્યપ્રાણીના આતંકને લઈને લોકોમાં ભય

સિંહના હુમલાની જાણ થતા જ વનવિભાગ તાત્કાલિક દોડતું થયું હતું. વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી રહી છે તેમજ આસપાસના વિસ્તારમાં સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. આ ઘટનાથી સ્થાનિક ગ્રામજનોમાં ફરી એકવાર વન્યપ્રાણીના આતંકને લઈને ભય અને રોષની લાગણી જોવા મળી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now