Home Gujarat Vadodara Former Teacher Alpaben Shah Grows More Than 300 Plants In Her Vadodara Flat Oxygen Park

ફ્લેટમાં ખીલ્યું 'નાનું ગામ' : વડોદરાની પૂર્વ શિક્ષિકાએ ઘરના ખૂણેખૂણે 300થી વધુ છોડ ઉગાડી બનાવ્યું ઓક્સિજન પાર્ક

Vadodara Alpa Shah Home Gardening Indoor Plants
Published by: Nirali Gohil
Last Updated: Apr 08, 2026, 09:35 AM IST

વડોદરા: આજના આધુનિક યુગમાં જ્યાં ચારેતરફ સિમેન્ટ-કોંક્રિટના જંગલો ઉભા થઈ રહ્યા છે અને કુદરતી હરિયાળી લુપ્ત થઈ રહી છે, ત્યારે વડોદરાના એક પૂર્વ શિક્ષિકાએ પોતાના ઘરને જ 'હરિયાળું સ્વર્ગ' બનાવી દીધું છે. વડોદરામાં રહેતા અલ્પાબેન શાહ નામના આ પર્યાવરણ પ્રેમીએ સાબિત કરી દીધું છે કે જો મનમાં ઈચ્છાશક્તિ હોય, તો શહેરના મર્યાદિત ફ્લેટમાં પણ પ્રકૃતિની ગોદમાં રહેવાનો અનુભવ કરી શકાય છે. અલ્પાબેને પોતાના ફ્લેટમાં 300થી વધુ વિવિધ પ્રકારના છોડ ઉછેરીને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમના ઘરમાં પ્રવેશતા જ જાણે કોઈ હરિયાળા ગામડામાં આવી ગયા હોય તેવો અહેસાસ થાય છે. આ માત્ર શોખ પૂરતું સીમિત નથી, પરંતુ વ્યસ્ત શહેરી જીવન વચ્ચે માનસિક શાંતિ અને શુદ્ધ ઓક્સિજન મેળવવાનો એક અદભૂત માર્ગ છે.

બાથરૂમથી લિવિંગ રૂમ સુધી: ઘરનો દરેક ખૂણો હરિયાળો

અલ્પાબેનના ઘરની વિશેષતા એ છે કે, તેમણે માત્ર ગેલેરીમાં જ નહીં, પરંતુ ઘરના દરેક ખૂણે છોડ રાખ્યા છે. તેમની પાસે સ્નેક પ્લાન્ટની અનેક પ્રજાતિઓ છે, જે સૌથી વધુ ઓક્સિજન આપવા માટે જાણીતી છે. લિવિંગ રૂમથી લઈને બાથરૂમ સુધી અને રસોડામાં પણ છોડ જોવા મળે છે. તેઓ રસોડામાં જ પાલક અને મેથી જેવી ભાજીઓ ઉગાડે છે, જેનો ઉપયોગ તેઓ તાજો રસ અને ભોજન બનાવવા માટે કરે છે.

વેસ્ટમાંથી બેસ્ટ: કચરાનો સર્જનાત્મક ઉપયોગ

પર્યાવરણની જાળવણી માત્ર છોડ ઉગાડવા પૂરતી નથી, પરંતુ કચરાના વ્યવસ્થાપન સાથે પણ જોડાયેલી છે. અલ્પાબેન તૂટેલા ચાના કપ, પ્લાસ્ટિકની વપરાયેલી પાણીની બોટલો અને દૂધની થેલીઓ જેવી નકામી વસ્તુઓને ફેંકી દેવાને બદલે તેનો ઉપયોગ કુંડા તરીકે કરે છે. આ રીતે તેઓ 'વેસ્ટમાંથી બેસ્ટ' બનાવીને પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આપી રહ્યા છે.

આ પણ વાંચો: દાદાગીરી ઉતરી ગઈ! : વડોદરામાં પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે તલવારો ઉછળી, પોલીસે આ રીતે કાઢી આરોપીઓની હેકડી

છોડ સાથે સંગીત અને સંવાદ

અલ્પાબેન માટે આ છોડ માત્ર સુશોભન નથી, પરંતુ તેમના પરિવારના સભ્યો સમાન છે. તેઓ કહે છે કે, "હું ક્યારેય એકલતા અનુભવતી નથી, કારણ કે આ છોડ હંમેશા મારી સાથે છે. હું તેમના માટે સંગીત વગાડું છું અને તેમની સાથે વાતો પણ કરું છું." બી.એસસી ફિઝિક્સ અને મોન્ટેસોરી કોર્સનો અભ્યાસ કરનાર અલ્પાબેને 15 વર્ષ દુબઈમાં શિક્ષણ ક્ષેત્રે સેવા આપી છે, પરંતુ વડોદરા પરત ફર્યા બાદ ગાર્ડનિંગ તેમનું જીવન બની ગયું છે.

કલા અને સંસ્કૃતિનો સંગમ

ગાર્ડનિંગની સાથે અલ્પાબેન એક કુશળ આર્ટિસ્ટ પણ છે. તેઓ 4 થી 72 વર્ષની વયના લોકોને મધુબની અને વરલી પેઈન્ટિંગ શીખવે છે. હસ્તકલા પ્રત્યેનો તેમનો આ લગાવ તેમના ઘરના શણગારમાં પણ સ્પષ્ટ દેખાઈ આવે છે. તેમના આ હરિયાળા ઘરને જોવા આવતા મહેમાનો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે અને આ અનોખા 'ઇનડોર ગાર્ડન'માંથી પ્રેરણા લઈને જાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now