બનાસકાંઠા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ડીસા તાલુકાના માલગઢ ગામના પૂર્વ સરપંચ અને વેપારી કુંદનલાલ માળીએ આત્મહત્યા કરી લીધી છે. મળતી માહિતી મુજબ કુંદનલાલ માળીએ લાઈવ વીડિયો દરમિયાન પોતાની જાતે ગોળી મારી આત્મહત્યા કરી હતી. આ હૃદયવિદારક ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
માલગઢના પૂર્વ સરપંચ કરી આત્મહત્યા
પ્રાથમિક માહિતી પ્રમાણે કુંદનલાલ માળી કોલ્ડ સ્ટોરેજ સાથે જોડાયેલા એક વ્યાપારીક વિવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી માનસિક તણાવમાં હતા. આ વિવાદને કારણે તેમણે અચાનક આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનાના થોડા સમય પહેલાં જ તેમણે લાઈવ વીડિયો ચાલુ કરી પોતાની વ્યથા વ્યક્ત કરી હતી અને ત્યારબાદ પિસ્તોલથી જાતને ગોળી મારી દીધી હતી.
પોલીસે તપાસ હાથધરી
ગોળી વાગતા જ કુંદનલાલ માળીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટના બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા, જ્યારે ડીસા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી મહત્વપૂર્ણ પુરાવા એકત્ર કરી તપાસ શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ દુર્ઘટનાએ માલગઢ ગામ અને આસપાસના વિસ્તારોમાં ભારે શોક ફેલાવ્યો છે. સ્થાનિક લોકો મુજબ કુંદનલાલ માળી સમાજમાં સક્રિય, ઉદાર અને સૌજન્ય સ્વભાવના વ્યક્તિ હતા. તેમના અચાનક મોતથી ગામમાં માહોલ શોકમય બની ગયો છે.






