logo-img
First Cng Dog Crematorium Launched In Gujarat

ગુજરાતના આ શહેરમાં પ્રથમ CNG ડોગ સ્મશાનગૃહ શરૂ કરાયુ : એક સમયે ત્રણ ડોગના અંતિમસંસ્કાર કરવાની ક્ષમતા, 30 લાખના ખર્ચે થયું તૈયાર

ગુજરાતના આ શહેરમાં પ્રથમ CNG ડોગ સ્મશાનગૃહ શરૂ કરાયુ
Published by: Offbeat Team
| Last Updated: Feb 09, 2026, 01:14 PM IST

પેટ ડોગ્સ માટે સંવેદનશીલ અને પર્યાવરણમૈત્રી સુવિધા રૂપે અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ CNG આધારિત પેટ ડોગ સ્મશાનગૃહ શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા આ અનોખી અને મહત્વપૂર્ણ સુવિધા કાર્યરત કરવામાં આવી છે. શહેરના CNCD એબીસી સેન્ટર, જમાલપુર ચાર રસ્તાથી ખોડિયારનગર ચાર રસ્તા રોડ પર આવેલા સુએજ પમ્પિંગ સ્ટેશન કેમ્પસ, બહેરામપુરા ખાતે શ્રી નોર્થ ઈસ્ટ મશીન કરમસદ એજન્સી દ્વારા આશરે 30 લાખ રૂપિયાના ખર્ચે આ CNG ગેસ સંચાલિત ડોગ સ્મશાનગૃહ (એનિમલ ક્રિમેટર) સ્થાપિત કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં CNG ડોગ સ્મશાનગૃહ શરૂ કરાયુ

આ સ્મશાનગૃહમાં એક સાથે ત્રણ પેટ ડોગના અંતિમસંસ્કાર કરવાની ક્ષમતા છે. મશીનમાં પ્રાઇમરી અને સેકન્ડરી ચેમ્બર હોવાથી દહન પ્રક્રિયા દરમિયાન ચિમનીમાંથી કોઈ દુર્ગંધ બહાર આવતી નથી. મશીન મહત્તમ 850 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન સુધી કાર્ય કરી શકે છે અને સામાન્ય રીતે 800થી 900 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાને અંતિમવિધિ કરવામાં આવે છે. મહત્વની વાત એ છે કે એક ડોગની અંતિમવિધિ પાછળ AMCને આશરે 700 રૂપિયાનો ખર્ચ થાય છે, પરંતુ પેટ ડોગના માલિકો પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી.

પેટ ડોગની અસ્થિ અથવા રાખને માટલીમાં ભરી લાલ કપડામાં મૂકીને અપાશે!

પેટ ડોગના માલિકોની લાગણીઓને ધ્યાનમાં રાખીને સ્મશાનગૃહમાં CCTV કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી પરિવારજનો ઘેર બેઠાં પણ પોતાના પેટ ડોગની અંતિમવિધિ જોઈ શકે. સ્થળ પર મૃત શ્વાનના પરિવારજનો માટે છ બેસવાની બેઠકની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે. અંતિમવિધિ પૂર્ણ થયા બાદ પેટ ડોગની અસ્થિ અથવા રાખને માટલીમાં ભરી લાલ કપડામાં મૂકીને સન્માનપૂર્વક પેટ ડોગના ઓનરને તેમના ઘરે સુધી પહોંચાડવાની સુવિધા પણ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષથી શ્વાનના ખસીકરણ ઓપરેશન દરમિયાન નીકળતા ઓર્ગનના નાશ માટેનું નાનું ઓર્ગન મશીન પણ અહીં સફળતાપૂર્વક કાર્યરત છે. પેટ ડોગના મૃત્યુની જાણ કરવા માટે AMC દ્વારા 155303 હેલ્પલાઈન નંબર પર ફોન કરવાની રહેશે અને પેટ ડોગના રજિસ્ટ્રેશનની રસીદ મોકલવી પડશે. આ ઉપરાંત પેટ ડોગના મૃત્યુનું પ્રમાણપત્ર આપવાની વ્યવસ્થા પણ AMC દ્વારા કરવામાં આવી છે. આ પહેલને પશુપ્રેમીઓ દ્વારા આવકારવામાં આવી રહ્યો છે અને તે રાજ્યમાં એક અનોખી અને માનવિય સુવિધા તરીકે જોવામાં આવી રહી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now