ગોરખપુરથી ચંડીગઢ જઈ રહેલી બસનો આગ્રા-લખનઉ એક્સપ્રેસવે પર અકસ્માત; ડ્રાઇવરને ઊંઘની ઝપકી આવતાં અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક આશંકા
ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લામાં આગ્રા-લખનઉ એક્સપ્રેસવે પર મોડી રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ગોરખપુરથી ચંડીગઢ જઈ રહેલી ડબલ ડેકર બસ આગળ જઈ રહેલા ટ્રેલર સાથે જોરદાર અથડાતા બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. અકસ્માત સમયે બસમાં 60થી વધુ મુસાફરો સવાર હતા.
પ્રાથમિક માહિતી અનુસાર અકસ્માતમાં 25 મુસાફરો ઘાયલ થયા છે. જેમાંથી પાંચ મુસાફરોની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે. તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા મુસાફરોની વિશેષ સારવાર ચાલી રહી છે.
ડ્રાઇવરને ઊંઘની ઝપકી આવવાની આશંકા
પ્રાથમિક તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બસના ડ્રાઇવરને ઊંઘની ઝપકી આવતાં તેણે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે બસ સીધી આગળ ચાલી રહેલા ટ્રેલર સાથે અથડાઈ હતી. જોકે અકસ્માતનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
અકસ્માતની જાણ થતાં પોલીસ અને રાહત-બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢીને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. ઘટનાને કારણે એક્સપ્રેસવે પર થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો.
પોલીસ તપાસ શરૂ
પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ટ્રેલર અને બસ બંનેને કબજે લઈને અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ બસના ડ્રાઇવર અને અન્ય સાક્ષીઓના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે.
તાજેતરના સમયમાં એક્સપ્રેસવે પર ઊંઘના કારણે થતા અકસ્માતોના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. નિષ્ણાતો લાંબા અંતરની મુસાફરી દરમિયાન ડ્રાઇવરોને નિયમિત આરામ કરવાની સલાહ આપે છે જેથી આવા ગંભીર અકસ્માતો ટાળી શકાય.






