Home Gujarat Firing In Posh Area Of Ahmedabad One Person Dies

અમદાવાદના પોશ વિસ્તારમાં ફાયરિંગ, યુવકનું મોત : મૃતકના ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળી પણ રિવોલ્વર ગાયબ, હત્યા કે આત્મહત્યા?

અમદાવાદના પોશ વિસ્તારમાં ફાયરિંગ, યુવકનું મોત
Published by: OBS Bureau
Last Updated: Aug 06, 2025, 04:54 AM IST

Ahmedabad News: અમદાવાદના પોશ વિસ્તારમાં ગઈકાલે રાત્રે ફાયરિંગની ઘટનાથી ફફડાટ વ્યાપી ગયો છે. શહેરના શાંત ગણાતા બોપલ વિસ્તારમાં આ ઘટના બની છે. આ ઘટનામાં મૃતકના ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ જો આપઘાતનો બનાવ હોય તો ઘટના સ્થળ પરથી રિવોલ્વર કોણ લઈ ગયું એ પણ મોટો સવાલ છે.

બોપલ વિસ્તારમાં આવેલાં કબીર એન્કલેવમાં રહેતા 41 વર્ષીય કલ્પેશ ટુંડિયા નામના યુવકને માથામાં ગોળી વાગતા મોત નિપજ્યું છે. જોકે, ઘટના સ્થળ પરથી મૃતક કલ્પેશના ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળી આવી છે. જેને કારણે પોલીસ માટે પણ આ બનાવનું રહસ્ય વધુ ઘેરાયું છે.

ખરેખર આ બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તેને હાલ પોલીસ પણ ગૂંચવણમાં મુકાઈ છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ગત રાત્રે બનેલી ફાયરિંગની આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો થયો છે.

ફાયરિંગ પહેલાં શું થયું હતું?

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, ઘટના પહેલા બે અજાણ્યા શખ્સો કારમાં મળવા માટે કલ્પેશના ઘરે આવ્યા હતા. મૃતકની દીકરીના જણાવ્યા મુજબ ગોળીનો અવાજ આવ્યો ત્યારે કલ્પેશ રૂમમાં એકલાં હતા. આથી, તપાસની દિશા આત્મહત્યાની સાથે સાથે સંભવિત હત્યા તરફ પણ વળી રહી છે.

યુવકના મોત બાદ કઈ રીતે ગુમ થઈ રિવોલ્વર?

ઘટનાસ્થળેથી ફાયરિંગમાં વપરાયેલ રિવોલ્વર મળી આવ્યાનું સામે નથી આવ્યું, જે આ મામલાને વધુ રહસ્યમય બનાવે છે. જો કલ્પેશે આત્મહત્યા કરી હોય તો હથિયાર ક્યાં છે? અને જો હત્યા થઈ હોય તો હત્યારો કોણ? આવી અનેક શંકાઓ હજી અનઉકેલ છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે મૃત્યુના પૃષ્ઠભૂમિમાં પૈસાની લેતીદેતી પણ એક મોટું કારણ બની શકે છે. પોલીસ આ એંગલથી પણ ગહન તપાસ કરી રહી છે.

પોલીસ અને FSL ટીમ ઘટનાસ્થળે:

ઘટનાની ગંભીરતા જોતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ટીમે ઘટના સ્થળ પર તપાસ શરૂ કરી છે. હાલ સુધી કોઈ ગુનો નોંધાયો નથી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા ફોરેન્સિક વિશ્લેષણના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. તપાસ ચાલુ છે અને તમામ સંજોગો માટે પોસ્ટમોર્ટમ અને FSL રિપોર્ટ મહત્વપૂર્ણ સાબિત થશે. જ્યારે સુધી તમામ પુરાવા એકત્રિત નહીં થાય, ત્યાં સુધી ઘટનાની સાચી હકીકત બહાર આવી શકશે નહીં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now