Bahucharaji Fire Incident : મહેસાણાના બહુચરાજી તાલુકાના હાંસલપુર વિસ્તારમાં આજે આગની ગંભીર ઘટના બની હતી. મારુતિ કંપનીની સામે આવેલી ખુલ્લી જગ્યામાં અચાનક આગ લાગી હતી, જેના કારણે વિસ્તારના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. જ્યાં આગ લાગી ત્યાં મોટી માત્રામાં પ્લાસ્ટિકની પાઇપો મૂકી હતી. આગ લાગ્યા બાદ થોડા જ સમયમાં પ્લાસ્ટિક ઝડપથી સળગતાં ધુમાડાના ગોટે ગોટે આકાશમાં દેખાયા હતા. ધુમાડાના ભારે વાદળો દૂરથી પણ સ્પષ્ટ દેખાતા હતા.
ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ
આગની જાણ મળતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયત્નો શરૂ કર્યા હતા. થોડા સમયની કામગીરી બાદ ફાયર વિભાગે આગ સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી.
પ્લાસ્ટિકની પાઇપનો મોટો ઢગલો બળીને ખાખ
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ ખુલ્લી જગ્યામાં મૂકેલ પ્લાસ્ટિકની પાઇપનો મોટો ઢગલો બળીને ખાખ થઈ ગયો છે. આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસ કરી રહી છે.






