ગરૂડેશ્વરમાં રહેતા અને નર્મદા જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ડોક્ટર ધવલ ખુમાનસિંહ પટેલે રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે ધારાસભ્ય ડો દર્શના દેશમુખના ભાઈ રવિ દેશમુખ વિરુદ્ધ મારામારી અને ધાકધમકીની ફરિયાદ નોંધાવતા જીલ્લાના રાજકારણમાં ભૂકંપ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
રવિભાઈ દેશમુખે ફોન કરી ગાળાગાળી કરી
નર્મદા જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ડોક્ટર ધવલ ખુમાનસિંહ પટેલે રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી ફરિયાદની પ્રાપ્ત વિગતો મુજબ ગઇ તા. ૧૪/૦૮/૨૦૨૫ ના રોજ નર્મદા જીલ્લા ભાજપ દ્રારા મશાલ રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ભાગ લેવા ડોક્ટર ધવલ પટેલ,જીલ્લા ભાજપના ઉપ પ્રમુખ જીતેશભાઈ તડવી સાથે આવ્યા હતા. મશાલ રેલી ગાંધીચોકથી નિકળી સંતોષ ચાર રસ્તા થઈ સફેદ ટાવર થઈ કાલાઘોડા પાસે પહોંચી તે દરમ્યાન ધવલ પટેલ પર રવિભાઈ દેશમુખનો ફોન આવ્યો હતો પરંતુ ડી.જે.ના અવાજના કારણે ધવલ પટેલને ફોનની રીંગ નહિ સંભળાતા ફોન રીસીવ કરી શક્ય નહોતા, જેથી તેઓના સાથીદાર જીતેશભાઈના મોબાઈલ ઉપર રવિભાઈ દેશમુખે કોલ કરી ટીકીટ કપાઈ જવા મુદ્દે વાતચીત છેડી ગાળાગાળી અને ધાકધમકી આપી હતી.
“તમે ગરૂડેશ્વર પહોંચો આજે એની ઔકાત બતાવી દઉં છું”
ભૂતકાળમાં ડોક્ટર ધવલ પટેલે રવિ દેશમુખની ટીકીટ કપાઈ જવા મુદ્દે કરેલી ચર્ચાનો મુદ્દો બનાવી રવિ દેશમુખે ડોક્ટર ધવલ પટેલ સાથે ઝઘડો કરી મા-બેન વિરૂધ્ધ ગાળૉ બોલી “તમે ગરૂડેશ્વર પહોંચો આજે એની ઔકાત બતાવી દઉં છું” અને ડો. ધવલના બાપને પણ બોલાવુ છું” જેવા શબ્દો ઉચ્ચાર્યા હતા. સાથે જ જીતેશ તડવીને પણ કહેલ કે “તારે ફોન રેકોર્ડ કરવો હોય તો રેકોર્ડ કર”
પ્રદેશ પ્રવક્તા ભરત ડાંગરની ઉપસ્થિતિમાં ઘમાસાણ
રેલી બાદ રવિ દેશમુખ ભાજપ જીલ્લા કાર્યાલય કમલમ ખાતે પહોંચતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો... રવિ દેશમુખ જીતેશ તડવીને ગાડીમાંથી કમલમ ઓફિસમાં લઈ ગયા હતા જ્યાં જીલ્લા પ્રમુખ નિલભાઈ રાવ, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, પ્રદેશ સહ પ્રવક્તા ભરત ડાંગર, યુવા મોરચાના જીલ્લા પ્રભારી હરીકિશનભાઈ, અન્ય નેતાઓ શ્રવણભાઈ તડવી, મનિષભાઈ તડવી, કિરણભાઈ વસાવાની હાજરીમાં પ્રમુખને ધમકી ભર્યા સ્વરમાં કહેલ કે, બોલાવ તારા ડો.ધવલને...
કમલમ ખાતે મારામારી કરી ધવલ પટેલને ઈજાઓ પહોંચાડી
ડો ધવલ પટેલ 14 મી એ સાંજના ૬/૪૫ વાગે કમલમ પહોંચતા તેઓ સાથે રવિભાઈ દેશમુખે મારામારી કરી હતી જેમાં ડોક્ટર ધવલને ખભા તેમજ ગળાના ભાગે ઈજાઓ થઇ હોવાનો આક્ષેપ FIRમાં કરવામાં આવ્યો છે.
તને હું ગરૂડેશ્વરમાં રહેવા નહી દઉ તને હું મારી નાખીશ.
આ દરમ્યાન ડોક્ટર ધવલને રવિ દેશમુખે ધમકી આપતા કહ્યું હતું કે “તને હું ગરૂડેશ્વરમાં રહેવા નહી દઉ તને હું મારી નાખીશ. ઉગ્ર બોલાચાલી અને મારામારી વચ્ચે અન્ય કાર્યકરોએ દોડી આવી ડોક્ટર ધવલ પટેલને બહાર લઇ ગયા હતા.
( ડો. ધવલ પટેલ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે )
મને કે પરીવારને કોઈ ની હાની થશે તો રવિ દેશમુખ જવાબદાર
ડૉ. ધવલ પટેલે નોંધાવેલી FIR માં લખાવ્યું છે કે મારા પરીવાર સાથે ગરુડેશ્વર મુકામે એકલો રહું છું અને ધારાસભયના ભાઈ તરીકે મને મારા ઘરે આવીને મારવાની ધમકી આપેલ છે. આ ઘટના બાદ મને કે મારા પરીવારને કોઈ પણ જાતની હાનિ થશે તેની સંપુર્ણ જવાબદારી રવિ દેશમુખની રહેશે.
જીલ્લા ભાજપના હોદ્દેદારોને દબાવવાનો પ્રયાસ
નર્મદા જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ડોક્ટર ધવલ પટેલે FIRમાં આક્ષેપ કર્યો છે કે રવિ દેશમુખ જીલ્લા ભાજપના હોદ્દેદારો સાથે આવુ ગેર વર્તન કરે છે તો સામાન્ય માણસ સાથે તેમનુ વર્તન ખુબજ ખરાબ હોઈ શકે તેમજ સત્તાનો દુર ઉપયોગ કરી કાર્યકરોને દબાવવાનો પ્રતત્ન કરે છે.
FIR પછી હવે શું ?
રવિ દેશમુખ વિરુદ્ધ નોંધાયેલી FIR બાદ પોલીસે કાનૂની રાહે કાર્યવાહી શરુ કરી છે તો બીજી તરફ ભાજપની આબરૂનું ધોવાણ થઇ રહ્યું હોવાથી જીલ્લા ભાજપના હોદ્દ્દેદારો મામલો વધુ ઉગ્ર ન બને તેવા પ્રયાસો કરવા સાથે ભાજપના બંને નેતાઓ વચ્ચે સમાધાનની કોશિશ કરી રહ્યા છે. 
કોણ છે રવિ દેશમુખ ?
રવિ દેશમુખ એ નાંદોદના હાલના ધારાસભ્ય ડો દર્શનાબેન દેશમુખના ભાઈ છે.. રવિ દેશમુખના પિતા ચંદુભાઈ દેશમુખ ચાર વખત ભરૂચના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે અને ગુજરાતમાં બાબુભાઈ જશભાઈ પટેલ ની સરકારમાં કેબીનેત્મંત્રી તરીકે રહી ચુક્યા છે.
ગુજરાત ભાજપના લઘુમતી મોર્ચાની નવી ટીમ તૈયાર: ચૂંટણી પહેલા BJPએ વસિમ શેખ, મોહમ્મદ મલેક સહિત અનેક મુસ્લિમ આગેવાનોની આપી મોટી જવાબદારી






