Home Gujarat Fir Against Journalists Who Raised Issues At Fair In Amreli

અમરેલીમાં મેળાની ખામીઓ ઉઠાવનાર પત્રકારો સામે FIR : ભાજપ નેતા ડો. ભરત કાનાબારનો તંત્ર સામે વેધક સવાલ

અમરેલીમાં મેળાની ખામીઓ ઉઠાવનાર પત્રકારો સામે FIR
Published by: OBS Bureau
Last Updated: Dec 20, 2025, 01:40 PM IST

અમરેલી જિલ્લામાં જાહેર મેળાની સલામતીને લઈને ઉભેલા વિવાદે હવે રાજકીય રંગ ધારણ કર્યો છે. અમરેલી ભાજપના નેતા ડો. ભરત કાનાબાર દ્વારા કરવામાં આવેલા એક વેધક ટ્વીટ બાદ સમગ્ર મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. ગુજરાતમાં રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડ જેવી કરૂણ ઘટના પછી રાજ્ય સરકાર અને તંત્ર દ્વારા જાહેર મેળાઓ માટે કડક SOP અમલમાં મૂકવામાં આવ્યા છે, જેથી કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન બને.

પરંતુ અમરેલીમાં ફોરવર્ડ સ્કૂલના મેદાનમાં યોજાયેલા એક મેળામાં મૂકાયેલા રાઈડ્સ અને સાધનોમાં ગંભીર ખામીઓ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ખામીઓ અંગે અનેક પત્રકારોએ તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. આ મુદ્દે દિવ્ય ભાસ્કર સહિતના પ્રતિષ્ઠિત અખબારો અને સ્થાનિક સમાચારપત્રોમાં પણ અહેવાલ પ્રસિદ્ધ થયા હતા. તેમ છતાં સ્થાનિક તંત્ર દ્વારા આ બાબતને કેટલી ગંભીરતાથી લેવામાં આવી તે અંગે સ્પષ્ટતા જોવા મળી નથી.

આ સમગ્ર ઘટનામાં સૌથી વધુ વિવાદ ત્યારે ઊભો થયો, જ્યારે જાહેર સલામતીનો મુદ્દો ઉઠાવનાર કેટલાક પત્રકારો સામે પોલીસ દ્વારા FIR નોંધી છે. ડો. કાનાબારે સોશિયલ મીડિયા મારફતે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, અમરેલી એસ.પી. અને અમરેલી કલેક્ટરને ટેગ કરીને તટસ્થ અને ન્યાયપૂર્ણ તપાસની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે, રાજકોટ જેવી દુર્ઘટના બાદ પણ જો SOPનું યોગ્ય પાલન ન થાય અને સલામતીના મુદ્દે અવાજ ઉઠાવનારને દબાવવામાં આવે, તો તે ચિંતાજનક બાબત છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now