Home Gujarat Fight With Trb Jawan In Danilimda Ahmedabad

'તારી પાસે લાયસન્સ માગવાની સત્તા નથી' : દાણીલીમડામાં TRB જવાન સાથે મારામારી

'તારી પાસે લાયસન્સ માગવાની સત્તા નથી'
Published by: OBS Bureau
Last Updated: Apr 19, 2025, 05:00 PM IST

અમદાવાદના દાણીલીમડામાં ટુ-વ્હીલર અને રિક્ષા વચ્ચે અકસ્માત થતા બે વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. તેમજ ટ્રાફિકજામ થતા ટ્રાફિક પોલીસકર્મીઓ ક્લીયર કરાવતા હતા. આ દરમ્યાન 108 આવી હતી તે સમયે રોંગસાઇડમાં એક્ટિવા પર ત્રણ શખ્સો આવ્યા હતા અને રસ્તા પર ઉભા રહ્યા હતા. જેથી પોલીસકર્મીએ તેને સાઇડમાં લેવાનું કહેતા ઉશ્કેરાઇને ઝઘડો કર્યો હતો. બાદમાં લાયસન્સ માંગતા તારી પાસે સત્તા નથી કહીને ટીઆરબી જવાન અને પોલીસકર્મી સાથે મારામારી કરીને ચોવીસ કલાકમાં બહાર આવીને જોઇ લઇશ તેવી ધમકી આપી હતી. આ અંગે પોલીસકર્મીએ એક્ટિવાચાલક સામે ગુનો નોધીને તેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

દાણીલીમડા કે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણભાઇ બેચરભાઇ બીટ રાઇટર તરીકે નોકરી કરે છે. ગત 18 એપ્રિલે તેઓ દાણીલીમડા ચાર રસ્તા પર નોકરી પર હતા તે દરમ્યાન એક ટુ-વ્હીલરચાલકે તેમને કહ્યુ કે દાણીલીમડા પોલીસલાઇન પાસે એક ટુ-વ્હીલર અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો છે. જેથી પ્રવિણભાઇ ટીઆરબી જવાન દિપક સાથે અકસ્માત થયો હતો ત્યાં પહોચ્યા હતા. જ્યાં બી.આર.ટી.એસ કોરીડોરમાં રિક્ષા પડી હતી. તેમાં એક વૃધ્ધને ઇજા થઇ હતી. તેમજ ટ્રાફિકજામ થયો હતો. જેથી પ્રવિણભાઇએ હેડ કોન્સ્ટેબલ રાજેશભાઇને મદદ માટે બોલાવ્યા હતા. ત્યારે વૃધ્ધને સારવાર અર્થે મોકલવા 108 આવી તે સમયે રોંગસાઇડમાં એક્ટિવા પર ત્રણ શખ્સો આવ્યા હતા અને અડચણરૂપ ઉભા હોવાથી પ્રવિણભાઇએ તેમને સાઇડમાં લેવાનું કહેતા એક્ટિવાચાલકે સાઇડમાં લીધુ ન હતુ. જેથી પોલીસકર્મી અને ટીઆરબી જવાને તેની પાસે લાયસન્સ માંગતા ચાલકે ઉશ્કેરાઇને તારી પાસે લાયસન્સ માંગવાની સત્તા નથી કહીને ટીઆરબી જવાન સાથે મારામારી કરી હતી. ત્યારે છોડાવવા વચ્ચે પડેલ પ્રવિણભાઇ સાથે પણ ચાલકે ઝપાઝપી કરી હતી. તેમજ હું લોકલ છું તુ ચોવીસ કલાક મને રાખીશ તો તે પછી તને જોઇ લઇશ તેવી ધમકી આપી હતી. જેથી અન્ય પોલીસકર્મીઓઓ આવીને તમામને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. ત્યાં એક્ટિવા ચાલકનું નામ પૂછતા નિખીલકુમાર સોલંકી હોવાનું જણાવ્યુ હતુ. આ અંગે પોલીસકર્મીએ નિખીલકુમાર સોલંકી સામે કે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી તેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now