Home International Fifa World Cup 2026 Spain Win Donald Trump Booed Trophy Ceremony Video

ટ્રોફી ઉઠાવવા આગળ વધ્યા ટ્રમ્પ : આખું સ્ટેડિયમ હૂટિંગથી ગૂંજી ઉઠ્યું! સ્પેનની જીત બાદ વાયરલ થયા દૃશ્યો

FIFA World Cup 2026, Donald Trump
Image Credit: @FoxNews/x
Published by: Nirali Gohil
Last Updated: Jul 20, 2026, 04:46 AM IST

FIFA World Cup 2026, Donald Trump: ફિફા વર્લ્ડ કપ 2026ના ભવ્ય ફાઇનલમાં સ્પેને વર્તમાન ચેમ્પિયન આર્જેન્ટિનાને 1-0થી હરાવીને બીજી વખત વિશ્વ ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો. યુવા ખેલાડીઓથી સજ્જ સ્પેનિશ ટીમે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન શિસ્તબદ્ધ રમત, મજબૂત ડિફેન્સ અને અસરકારક આક્રમણના આધારે ચેમ્પિયનશિપ પોતાના નામે કરી. ફાઇનલમાં ફેરાન ટોરેસે નોંધાવેલો નિર્ણાયક ગોલ સ્પેન માટે ઐતિહાસિક સાબિત થયો, જ્યારે આર્જેન્ટિનાના દિગ્ગજ લિયોનેલ મેસી માટે આ વિશ્વ કપનું અંતિમ અધ્યાય નિરાશાજનક રહ્યો. મેચ પૂરો થયા બાદ વિશ્વભરના ફૂટબોલ ચાહકોનું ધ્યાન માત્ર સ્પેનની જીત પર જ નહીં, પરંતુ ટ્રોફી વિતરણ સમારોહ દરમિયાન બનેલી એક ઘટનાએ પણ ખેંચ્યું. યજમાન દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સમારોહમાં હાજર રહ્યા હતા, પરંતુ મેદાન પર તેમના આગમન સાથે જ સ્ટેડિયમમાં હાજર હજારો દર્શકો તરફથી જોરદાર હૂટિંગ સાંભળવા મળી. આ દૃશ્યો થોડા જ સમયમાં સોશિયલ મીડિયા પર વાયરલ બન્યા અને વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની ગયા.

ટ્રોફી સેરેમની દરમિયાન ટ્રમ્પની હાજરી ચર્ચામાં

મેચ પૂર્ણ થયા બાદ ફિફાના પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનો સાથે ડોનાલ્ડ ટ્રમ્પ ટ્રોફી વિતરણ માટે મેદાન પર પહોંચ્યા. અહેવાલો અનુસાર, સ્ટેડિયમમાં 80 હજારથી વધુ દર્શકો હાજર હતા. ટ્રમ્પ મેદાનમાં પ્રવેશતા જ સ્ટેડિયમમાં હૂટિંગનો અવાજ વધુ તેજ બન્યો, જેના કારણે સમારોહની વચ્ચે જ તેમનું આગમન ચર્ચાનો વિષય બની ગયું. આ પહેલાં પણ ટ્રમ્પ મેચ નિહાળવા માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા સાથે 'મરીન વન' હેલિકોપ્ટર મારફતે સ્ટેડિયમ પહોંચ્યા હતા. મેચ શરૂ થવાના લગભગ 45 મિનિટ પહેલાં તેમનું હેલિકોપ્ટર સ્ટેડિયમ ઉપરથી પસાર થયું હતું. સમગ્ર મેચ દરમિયાન તેઓ ફિફા પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનો સાથે વિશેષ વી.આઈ.પી. બોક્સમાં બેઠા હતા.

તેમની આસપાસ સ્પેનના રાજા ફેલિપ VI, કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની અને મેક્સિકોની રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શાઇનબાઉમ સહિત અનેક આંતરરાષ્ટ્રીય મહાનુભાવો અને પૂર્વ ખેલાડીઓ પણ ઉપસ્થિત હતા.

સ્ટેડિયમની સ્ક્રીન પર દેખાતા જ ફરી ગૂંજ્યું હૂટિંગ

મેચ દરમિયાન અમેરિકાનું રાષ્ટ્રગાન પૂર્ણ થયા બાદ સ્ટેડિયમની વિશાળ સ્ક્રીન પર થોડા સમય માટે ડોનાલ્ડ ટ્રમ્પનું દૃશ્ય પ્રસારિત કરવામાં આવ્યું હતું. તે સમયે પણ દર્શકોના એક વર્ગ તરફથી હૂટિંગના અવાજો સંભળાયા હતા, જોકે ટ્રોફી વિતરણ સમારોહ દરમિયાન જોવા મળેલી પ્રતિક્રિયા તેની સરખામણીએ વધુ તીવ્ર હતી. વ્હાઇટ હાઉસના અહેવાલનો ઉલ્લેખ કરતાં કહેવામાં આવ્યું છે કે, ટ્રમ્પ મેદાન પર પહોંચ્યા પહેલાં સ્ટેડિયમમાં અવાજનું સ્તર અંદાજે 78 ડેસિબલ હતું, જે તેમના પ્રવેશ બાદ વધીને આશરે 84 ડેસિબલ સુધી પહોંચી ગયું હતું.

આ પણ વાંચો: ઈરાનમાં બળવાના ભણકારા : વિદેશ મંત્રી અને રાષ્ટ્રપતિ સામે ગંભીર આરોપો, સત્તા પરિવર્તનની અટકળો તેજ

ઉજવણીમાં જોડાવાના પ્રયાસે ફરી સર્જાઈ ચર્ચા

સ્પેનને ટ્રોફી અર્પણ કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ વિજેતા ટીમ સાથે મંચ પર ઉભા રહીને ઉજવણીમાં જોડાવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. જોકે, તે દરમિયાન ફિફા પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનોએ સંકેત આપીને તેમને મંચના એક બાજુ ખસવા જણાવ્યું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. આ ક્ષણના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા અને વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ. આ પહેલી વખત નથી જ્યારે ટ્રમ્પ ટ્રોફી સેરેમની દરમિયાન ચર્ચામાં આવ્યા હોય. ગયા વર્ષે યોજાયેલા ક્લબ વર્લ્ડ કપ દરમિયાન પણ ચેમ્પિયન ચેલ્સીને ટ્રોફી આપ્યા બાદ તેઓ ખેલાડીઓ સાથે ઉજવણીમાં જોડાવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. તે ઘટનાએ પણ તે સમયે વિશાળ ચર્ચા જગાવી હતી.

સ્પેનની ઐતિહાસિક જીત, મેસી માટે લાગણીસભર ક્ષણ

ફાઇનલમાં સ્પેને શરૂઆતથી જ શિસ્તબદ્ધ રમત રજૂ કરી હતી. ફેરાન ટોરેસે નોંધાવેલો એકમાત્ર ગોલ આખી મેચનો નિર્ણાયક ક્ષણ સાબિત થયો. આર્જેન્ટિનાએ બરાબરી માટે અનેક પ્રયાસો કર્યા છતાં સ્પેનિશ ડિફેન્સે તેમને સફળ થવા દીધા નહોતા. સ્પેન માટે આ બીજી ફિફા વર્લ્ડ કપ ટ્રોફી છે, જ્યારે લિયોનેલ મેસી માટે આ ટૂર્નામેન્ટ ભાવનાત્મક અંત સમાન રહ્યો. મેચ બાદ મેદાન પર તેમની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા, જે ફૂટબોલ ચાહકો માટે પણ લાગણીસભર ક્ષણ બની.

છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક રમતગમતના કાર્યક્રમોમાં હાજરી

ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા કેટલાક સમયથી વિવિધ આંતરરાષ્ટ્રીય રમતગમતના કાર્યક્રમોમાં નિયમિત હાજરી આપી રહ્યા છે. પુનઃ રાષ્ટ્રપતિ બન્યા બાદ તેઓ સુપર બાઉલ, યુએસ ઓપન ટેનિસ, ડેટોના 500, રાઇડર કપ, કોલેજ ફૂટબોલ નેશનલ ચેમ્પિયનશિપ, એનબીએ ફાઇનલ સહિત અનેક મોટા કાર્યક્રમોમાં હાજર રહ્યા છે. કેટલાક પ્રસંગોએ તેમને દર્શકો તરફથી હૂટિંગનો પણ સામનો કરવો પડ્યો હતો.n ફિફા વર્લ્ડ કપ 2026ના ફાઇનલ બાદ બનેલી આ ઘટનાએ ફરી એકવાર રમત અને રાજકારણ વચ્ચેના સંબંધોને લઈને ચર્ચા જગાવી છે. એક તરફ સ્પેનની ઐતિહાસિક જીત વિશ્વભરમાં ઉજવાઈ રહી છે, તો બીજી તરફ ટ્રોફી સેરેમની દરમિયાન બનેલા દૃશ્યો સોશિયલ મીડિયા અને આંતરરાષ્ટ્રીય મીડિયામાં ચર્ચાનો કેન્દ્ર બન્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now