સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ અને બાળકોની માનસિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફ્રાન્સ સરકાર 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધ મૂકતો નવો કાયદો લાવવાની તૈયારીમાં છે. ફ્રાન્સની સંસદમાં આ બિલને ઝડપથી મંજૂરી અપાવવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે અને નવા શૈક્ષણિક સત્રની શરૂઆત પહેલાં એટલે કે સપ્ટેમ્બર સુધીમાં તેને અમલમાં લાવવાનો સરકારનો પ્રયાસ છે.
સપ્ટેમ્બરથી કાયદો અમલમાં લાવવાની તૈયારી
ફ્રાન્સના સાંસદો નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત પહેલાં આ કાયદાને અમલમાં લાવવા માટે ઝડપી કાર્યવાહી કરી રહ્યા છે. સંસદના ઉનાળાના વિરામ પહેલાં બિલ પર અંતિમ સહમતિ મેળવવા માટે પ્રક્રિયા તેજ કરવામાં આવી છે.
નેશનલ અસેમ્બલીના સાત સભ્યો અને સેનેટના સાત સભ્યોની સંયુક્ત સમિતિ આ મુદ્દે ચર્ચા કરી રહી છે. સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલા અંતિમ પ્રસ્તાવ પર આ અઠવાડિયામાં મતદાન થવાની શક્યતા છે. જો સંસદમાંથી મંજૂરી મળી જાય તો સરકાર સપ્ટેમ્બરથી આ કાયદો અમલમાં લાવવાનો પ્રયાસ કરશે.
યુરોપિયન યુનિયનના નિયમો સાથે સુસંગતતા પર ચર્ચા
આ પ્રસ્તાવિત કાયદાને લઈને યુરોપિયન કમિશને કેટલીક ટેક્નિકલ આપત્તિઓ વ્યક્ત કરી છે. કમિશનનું માનવું છે કે બિલનો તાજેતરનો ડ્રાફ્ટ યુરોપિયન યુનિયનના કેટલાક કાયદાઓ સાથે સંપૂર્ણ રીતે સુસંગત નથી.
તેના કારણે ફ્રાન્સની સરકાર અને સંસદ હવે એવો માર્ગ શોધવાનો પ્રયાસ કરી રહી છે કે જેથી બાળકોની સુરક્ષા પણ સુનિશ્ચિત થાય અને યુરોપિયન નિયમોનું પણ પાલન થઈ શકે.
પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંનો મજબૂત સમર્થન
ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોં આ પ્રતિબંધના ખુલ્લેઆમ સમર્થક રહ્યા છે. તેઓ લાંબા સમયથી બાળકો અને કિશોરોમાં સોશિયલ મીડિયા ઉપયોગને લઈને ચિંતા વ્યક્ત કરતા આવ્યા છે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આગામી વર્ષે તેમનો કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં આ કાયદો તેમની સરકારના મહત્વપૂર્ણ પગલાંમાંનો એક બની શકે છે.
કયા પ્લેટફોર્મ પર લાગશે પ્રતિબંધ?
બિલને લઈને નેશનલ અસેમ્બલી અને સેનેટ વચ્ચે સૌથી મોટો મતભેદ એ બાબતે છે કે કયા પ્રકારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લાગુ કરવો.
નેશનલ અસેમ્બલીએ તમામ ઓનલાઈન સોશિયલ નેટવર્કિંગ સેવાઓને આ કાયદાના દાયરામાં લાવવાનો પ્રસ્તાવ મંજૂર કર્યો છે, જ્યારે સેનેટ ચોક્કસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની 'બ્લેકલિસ્ટ' તૈયાર કરીને માત્ર તે પ્લેટફોર્મ પર પ્રતિબંધ લાદવાના પક્ષમાં છે. આ મુદ્દે બંને ગૃહો વચ્ચે અંતિમ સહમતિ બાદ જ કાયદાનું અંતિમ સ્વરૂપ નક્કી થશે.
બાળકોની સુરક્ષા પર વધી રહી છે વૈશ્વિક ચિંતા
છેલ્લા કેટલાક વર્ષોમાં સોશિયલ મીડિયાના બાળકોના માનસિક સ્વાસ્થ્ય, ઓનલાઈન હેરાનગતિ, સાયબર બુલિંગ અને અયોગ્ય કન્ટેન્ટ સુધી સરળ પહોંચ જેવા મુદ્દાઓને લઈને વિશ્વભરમાં ચિંતા વધી છે.
આ જ કારણસર ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશો બાળકો માટે સોશિયલ મીડિયા ઉપયોગ પર કડક નિયમો લાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે. હવે ફ્રાન્સ પણ તે જ દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવા જઈ રહ્યું છે.





