Home Gujarat Female Friend Poonam Bhadoria Detained In Builder Tushar Ghelani Case

બિલ્ડર તુષાર ઘેલાણી કેસમાં મહિલા મિત્ર પૂનમ ભાદોરિયાની અટકાયત : પૂનમથી છુટકારો મેળવવા માટે તુષાર ઘેલાણી આપઘાત કર્યાનો આક્ષેપ

બિલ્ડર તુષાર ઘેલાણી કેસમાં મહિલા મિત્ર પૂનમ ભાદોરિયાની અટકાયત
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 22, 2026, 04:40 AM IST

સુરત શહેરમાં બિલ્ડર તુષાર ઘેલાણીના આપઘાત મામલે નવા ખુલાસો સામે આવ્યા છે. ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, બિલ્ડરને તેની ‘મહિલા મિત્ર’ તરીકે ઓળખાતી પૂનમ ભાદોરિયા દ્વારા બ્લેકમેલિંગ અને માનસિક દબાણ કરવામાં આવતું હતું, જેના કારણે તેમણે આત્મહત્યાનો માર્ગ પસંદ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

તુષાર ઘેલાણી પૂનમ ભાદોરિયાથી છૂટકારો મેળવવા માગતા હતા: આક્ષેપ

માહિતી અનુસાર, પૂનમ ભાદોરિયા એક સમયે તુષાર ઘેલાણીની ઓફિસમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી. બંને વચ્ચે નજીકના સંબંધો વિકસ્યા હતા. વર્ષ 2025માં બિલ્ડરે અંદાજે એક કરોડ રૂપિયાની કિંમતની બે દુકાનો તેના નામે કરી આપ્યાનું પણ સામે આવ્યું છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી તુષાર ઘેલાણી પૂનમ ભાદોરિયાથી છૂટકારો મેળવવા માગતા હતા, પરંતુ તે પીછો છોડતી ન હતી એવો પરિવારજનોનો આક્ષેપ છે.

દીકરીના લગ્નમાં પૂનમ ભાદોરિયાએ હોબાળો કરવાની ધમકી આપી હતી

ફરિયાદ મુજબ, દીકરીના લગ્ન પ્રસંગે પણ પૂનમ ભાદોરિયાએ હોબાળો કરવાની ધમકી આપી હતી. બદનામી થવાના ડર અને સતત દબાણના કારણે તુષાર ઘેલાણીએ રિવોલ્વર વડે ગોળી મારી આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. બીજી તરફ, પૂનમ ભાદોરિયા દ્વારા પણ અગાઉ પોલીસમાં અરજી કરી બિલ્ડરના પરિવારજનો પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.

પૂનમ ભાદોરિયા સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેની અટકાયત કરી

સમગ્ર મામલે ઉમરા પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાની દુષ્પ્રેરણા તેમજ બ્લેકમેલિંગનો ગુનો નોંધાયો છે. પોલીસે લાંબી પૂછપરછ બાદ પૂનમ ભાદોરિયાની અટકાયત કરી છે. એસીપી ઝેડ આર દેસાઈ સમગ્ર કેસની તપાસ કરી રહ્યા છે. હાલ પોલીસ દ્વારા તમામ આર્થિક વ્યવહારો, ફોન રેકોર્ડ અને અન્ય પુરાવાઓની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now