Home Gujarat Fears Mount As Giant Crocodile Spotted On Vadodaras Ms University Campu

વડોદરાની MS યુનિવર્સિટી કેમ્પસમાં મહાકાય મગર દેખાતા ભયનો માહોલ : રેસ્ક્યુ બાદ વિદ્યાર્થીઓએ લીધો રાહતનો શ્વાસ

વડોદરાની MS યુનિવર્સિટી કેમ્પસમાં મહાકાય મગર દેખાતા ભયનો માહોલ
Published by: OBS Bureau
Last Updated: Mar 16, 2026, 01:10 PM IST

Vadodara News: વડોદરા શહેરની MS યુનિવર્સિટી ના વિશાળ કેમ્પસમાં રવિવાર સાંજે મહાકાય મગર દેખાતા વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં ભયનો માહોલ સર્જાયો હતો. સાંજે અંદાજે 6:30 વાગ્યાના આસપાસ કોલેજમાંથી છૂટીને વિદ્યાર્થીઓ ઘરે જઈ રહ્યા હતા ત્યારે કેમ્પસના રસ્તા નજીક અચાનક મગરની લટાર જોવા મળતા અફરાતફરી મચી ગઈ હતી. કેટલાક વિદ્યાર્થીઓએ તરત જ સુરક્ષિત સ્થળે દોડ લગાવી હતી અને ઘટનાની માહિતી કોલેજ સિક્યુરિટી તથા સ્થાનિક સંસ્થાઓને આપવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, મગર કેમ્પસના હરિયાળા વિસ્તારમાં ધીમે ધીમે આગળ વધતો જોવા મળ્યો હતો. આ દ્રશ્ય જોઈને વિદ્યાર્થીઓમાં ભારે ભય ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ જીવદયા પ્રેમી સંસ્થા તથા વન વિભાગની ટીમ તાત્કાલિક કેમ્પસ ખાતે પહોંચી હતી. રેસ્ક્યુ ટીમે વિસ્તારને ઘેરી લઈને વિદ્યાર્થીઓ અને સ્ટાફને સુરક્ષિત અંતરે રહેવા સૂચના આપી હતી. રેસ્ક્યુ ટીમે લગભગ એક કલાક સુધી ભારે જહેમત બાદ મગરને કાબૂમાં લઈ સુરક્ષિત રીતે પકડી પાડ્યો હતો. મગરને પકડવા માટે ખાસ સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેથી કોઈને ઈજા ન થાય અને મગરને પણ નુકસાન ન પહોંચે. મગરનું સફળ રેસ્ક્યુ થતા કોલેજ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

વન વિભાગના પ્રાથમિક અનુમાન મુજબ, કેમ્પસની નજીકથી પસાર થતી વિશ્વામિત્રી નદી માંથી મગર કેમ્પસ વિસ્તારમાં આવી ચડ્યો હોવાની શક્યતા છે. વિશ્વામિત્રી નદી વિસ્તારમાં મગરોની સંખ્યા વધારે હોવાથી ઘણી વખત વરસાદી મોસમ કે પાણીના સ્તરમાં ફેરફારને કારણે મગર આસપાસના વિસ્તારોમાં જોવા મળે છે. આ ઘટનાને પગલે કોલેજ પ્રશાસને કેમ્પસમાં સુરક્ષા વધારવાની અને નદી કિનારા નજીક વધુ સતર્કતા રાખવાની સૂચના આપી છે. વન વિભાગે પણ વિદ્યાર્થીઓને કોઈ જંગલી પ્રાણી દેખાય તો નજીક ન જવા અને તાત્કાલિક સત્તાવાળાઓને જાણ કરવાની અપીલ કરી છે. હાલ સમગ્ર પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now