નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જ્યાં એક પિતાએ પોતાના જ પુત્રની હત્યા કરી નાખી. ચીખલીના રેઠવાણીયા ગામમાં દારૂના નશામાં રોજ ઝઘડો કરતા પુત્રથી કંટાળીને આ કળિયુગી પિતાએ આ ભયાનક કૃત્યને અંજામ આપ્યો છે.
શું બની હતી સમગ્ર ઘટના?
35 વર્ષીય મૃતક જીતેન્દ્ર રાઠોડ રોજ દારૂ પીને તેના પિતા છનાભાઈ રાઠોડ સાથે ઝઘડા કરતો હતો. આ રોજ-રોજના ક્લેશથી કંટાળીને છનાભાઈએ ગુરુવારે મોડી રાત્રે ઘાતકી પગલું ભર્યું. જ્યારે જીતેન્દ્ર ઘરની બહાર સૂઈ રહ્યો હતો, ત્યારે પિતા છનાભાઈએ તેનું ગળું દબાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધો.
પુત્રની હત્યા થતાં, મૃતકની માતાએ હત્યારા પિતા સામે ચીખલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ઘટનાની જાણ થતાં જ ચીખલી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી. પોલીસે મૃતક જીતેન્દ્રના મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે ચીખલી રેફરલ હોસ્પિટલ ખસેડ્યો છે.
પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી
પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી અને ગણતરીના કલાકોમાં જ આરોપી પિતા છનાભાઈ રાઠોડની ધરપકડ કરી લીધી. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરીને ઘટનાના મૂળ સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને સમાજમાં દારૂના વ્યસન અને પારિવારિક હિંસાના ગંભીર પરિણામો સામે સવાલો ઊભા કર્યા છે.






