Dholera Accident News: ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (SIR) માં આવેલી પ્રખ્યાત ABCD બિલ્ડિંગની બહાર આજે એક અત્યંત દુખદ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ધોલેરા ચાર રસ્તા પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી એક ઇકો કાર અને મોટરસાઈકલ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઈક ચાલક હવામાં ફંગોળાયા હતા અને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકો દ્વારા તાત્કાલિક મદદના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે આધેડ વયના યુવકે જીવ ગુમાવ્યો છે. આ ઘટનાને પગલે ધોલેરા ચાર રસ્તા પર લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માતે ફરી એકવાર ધોલેરાના હાઈવે પર વાહનોની અનિયંત્રિત ગતિ અને માર્ગ સુરક્ષા સામે પ્રશ્નો ઉભા કર્યા છે.
108 પહોંચે તે પહેલા જ શ્વાસ થંભી ગયા
અકસ્માત સર્જાતા જ રાહદારીઓ અને આસપાસના લોકોએ તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 108ની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ફરજ પરના તબીબોએ તપાસતા જાણવા મળ્યું હતું કે ગંભીર ઈજાઓને કારણે બાઈક ચાલકનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. આ સમાચાર સાંભળતા જ ઉપસ્થિત લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
પોલીસ કાર્યવાહી અને મૃતકની ઓળખ
108ની ટીમ દ્વારા આ અંગે ધોલેરા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી હતી. મૃતકની ઓળખ માલદેવસિંહ મહિપતસિંહ ચુડાસમા (ઉંમર વર્ષ 56) તરીકે થઈ છે, જેઓ ધોલેરા તાલુકાના કાદીપુર ગામના રહેવાસી હતા.56 વર્ષીય આધેડના અકાળે અવસાનથી કાદીપુર ગામમાં અને તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
PM માટે ધંધુકા હોસ્પિટલ ખસેડાયા
ધોલેરા પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. માલદેવસિંહના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM)ની વિધિ માટે ધંધુકાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. અકસ્માત સર્જનાર ઇકો કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ પોલીસે શરૂ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે.





