ડુંગળી સતત ખેડૂતોને રોવડાવી રહી છે. ડુંગળીના ભાવ અંગે અનેક વખત અગાઉ પણ સમાચાર આવી ચુક્યા છે. અને હવે ફરીવાર ડુંગળીના ભાવ ઘટતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. જેના માટે થઈન ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને રજૂઆત કરી છે.
અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો પત્ર
નારણ કાછડિયાએ પત્રમાં ડુંગળીના ઘટતા ભાવનો ઉલ્લેખ કર્યો છે. ખેડૂતોને ડુંગળીના પ્રતિ કિલોએ રૂપિયા 3થી 5 મળી રહ્યાં છે. જેના ખેડૂતોને બિલકુલ પોસાય તેમ નથી. આ પ્રકારના ભાવના કારણે ખેડૂતોને પ્રતિ વીઘાએ રૂપિયા 10 હજારનું નુકસાન થઈ રહ્યું છે અને એટલા માટે હવે ડુંગળીના ટેકાના ભાવ સરકાર જાહેર કરે તેવી માગ પણ કરવામાં આવી છે. જેથી કરીને બજારમાં ભાવ ના મળતા સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડુંગળી ખરીદી ખેડૂતોને નુકસાન થતું અટકે અને જગતના તાતને રોવાનો વારો ના આવે.
આપને જણાવી દઈએ કે અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં ડુંગળીનું ઉત્પાદન થાય છે, એટલે કે ખેડૂતોમાં ખુબ મોટો વર્ગ છે જે ડુંગળીની ખેતી કરીને ગુજરાન ચલાવે છે.





