Home Gujarat Fake Police Seize Jewellery From Girl After Threatening To Arrest Her Fiancee

મંગેતરની ધરપકડની આપી ધમકી : નકલી પોલીસે યુવતી પાસેથી પડાવ્યા દાગીના, ધરપકડ

મંગેતરની ધરપકડની આપી ધમકી
Published by: OBS Bureau
Last Updated: Apr 23, 2025, 06:37 PM IST

દેશભરમાં નકલીની ભરમાર લાગી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે, ક્લાસ વન અધિકારીથી લઈને નાનામાં નાના સરકારી કર્મચારી નકલી ઝડપાઈ રહ્યા છે. તેવામાં અમદાવાદમાં ફરી એકવાર નકલી પોલીસ ઝડપાઈ છે. પોલીસની ઓળખ આપી એક યુવતીને રોકીને તેના મંગેતરની ધરપકડ કરવામાં આવી છે અને કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવી તેની પાસે રહેલા દાગીના પડાવી એક શખ્સ ફરાર થઈ ગયો હતો, જે મામલે અસલી પોલીસે ગુનો દાખલ કરી નકલી પોલીસને પકડી પાડ્યો છે.

સરખેજ પોલીસે સલીમ મિયા રાઠોડ નામના વટવા વિસ્તારના યુવકની ધરપકડ કરી છે. આરોપીએ પોતે પોલીસ હોવાની ઓળખ આપી એક શિક્ષિકાને રોકી તેની પાસેના દાગીના પડાવી લીધા હતા. ગત 30 માર્ચ 2025 ના રોજ બપોરના સમયે 26 વર્ષીય યુવતી પોતાના મંગેતર સાથે જશોદાનગર પાસે આવેલી રેસ્ટોરેન્ટમાં ગઈ હતી અને બાદમાં તેના મંગેતરે તેને વાસણામાં રાજ યશ કોમ્પલેસ ખાતે ઉતારતા તે ત્યાંથી પોતાની એકટીવા લઈને બપોરના ત્રણ વાગ્યાના આસપાસ સરખેજમાં પોતાના ફ્લેટના નીચે પાર્કિંગમાં પહોંચી હતી. ત્યાં અચાનક આ આરોપી પહોંચ્યો હતો અને તેણે પોતે પોલીસમાં છે અને યુવતીના મંગેતરને પોલીસે પકડી લીધો છે તેવું કહી પૈસાની માંગણી કરી હતી. યુવતીએ પૈસા આપવાની ના પાડતા ડરાવી ધમકાવી તેના હાથમાં પહેરેલું સોનાનું બ્રેસલેટ અને સોનાની વીંટી પડાવી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.



સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનીકલ એનાલિસિસ કરી સલીમ મિયા રાઠોડની ધરપકડ કરી છે. આરોપીની તપાસ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી સલીમ મિયા રાઠોડ વર્ષ 1999માં એસઆરપી અમદાવાદ શહેરમાં ભરતી થયો હતો અને 9 વર્ષ એસઆરપીમાં ફરજ બજાવી તેણે રાજીનામું આપી દીધું હતું. આરોપીના પિતા અને ભાઈ પણ અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા હતા અને હાલ નિવૃત્ત થયા છે. આરોપી ઘણા વર્ષોથી આ જ પ્રકારે કોઈપણ વ્યક્તિને રસ્તા વચ્ચે રોકી પોતાની પોલીસ તરીકેની ઓળખ આપી દાગીના અને રૂપિયા લઈને ફરાર થઈ જવાની ટેવ ધરાવતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.ઝડપાયેલા આરોપીની સરખેજ પોલીસે વધુ તપાસ કરતાં સામે આવ્યુ કે તેની સામે અલગ અલગ પોલીસ સ્ટેશન જેમાં બાપુનગર, ચાંદખેડા, નરોડા, નવરંગપુરા, અમરાઈવાડી, વેજલપુર તેમજ અન્ય શહેરોમાં પ્રાંતિજ ગાંધીનગર એમ કુલ 13 ગુના નોંધાયા છે. તે તમામ ગુનામાં આરોપીએ આ જ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ કરી હતી. તેવામાં પકડાયેલા આરોપીએ ફરિયાદી પાસેથી મેળવેલા દાગીના વેચીને પૈસા મેળવી લીધા હતા, જે રકમ પણ સરખેજ પોલીસે કબજે કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now