Home Gujarat Ex Gujarat Cm Vijay Rupani From Corporator To Become Gujarat Cheif Minister

મ્યાનમારમાં જન્મેલા વિજય રૂપાણીની રાજકીય સફર : કોર્પોરેટરથી લઈ મુખ્યમંત્રી સુધીની સફર

મ્યાનમારમાં જન્મેલા વિજય રૂપાણીની રાજકીય સફર
Published by: OBS Bureau
Last Updated: Jun 13, 2025, 08:05 AM IST

અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે. હાલ પંજાબના ભાજપ પ્રભારી એવા વિજય રૂપાણીનો જન્મ 2 ઓગસ્ટ 1956ના રોજ બર્માના રંગૂનમાં થયો હતો, તેઓ જન્મે બર્મીઝ છે, પરંતુ ગુજરાતના રાજકોટમાં આવીને વસતાં કર્મે ગુજરાતી બન્યા હતા. 1971થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા રૂપાણીએ ભાજપ સંગઠન અને સરકારમાં અલગ અલગ હોદ્દા પર કામ કર્યું હતું. તેઓ કોર્પોરેટરથી શરૂઆત કરીને મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા હતા.

એક દીકરાનું ત્રણની ઉંમરે અવસાન થયું હતું

વિજયભાઈના પહેલા દીકરા પુજિતનું માત્ર સાડાત્રણ વર્ષની ઉંમરે મૃત્યું થયું હતું. સહપરિવાર અમદાવાદ સસરાની ઘરે ગયા હતા એ વખતે થર્ડ ફ્લોરની ગેલરીમાંથી નીચે ઝૂક્યા પછી બેલેન્સ નહીં રહેતાં દીકરો પુજિત પડી ગયો અને તેનું મૃત્યુ થયું. તેની યાદમાં વિજયભાઈએ શ્રી પુજિત મેમોરિયલ ટ્રસ્ટ બનાવ્યું છે. જૂજ લોકોને ખબર છે કે ઋષભ અને ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં ટપુનું કેરેક્ટર કરનારા ભવ્ય ગાંધી વચ્ચે પાક્કી ભાઈબંધી છે.

કટોકટી સમયે જેલવાસ ભોગવ્યો

ભાવનગર-ભુજમાં જેલવાસ કટોકટી દરમિયાન રૂપાણી લોકઆંદોલનો સાથે સક્રિય રીતે જોડાયા હતા અને 1976માં ખૂબ જ નાની વયે તેમણે ભુજ અને ભાવનગરની જેલોમાં એક વર્ષ માટે મિસા (MISA) હેઠળ જેલવાસ ભોગવ્યો હતો.

રાજકીય સફર

વિજય રૂપાણી તેમના વિદ્યાર્થી જીવન દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (AVBP)માં જોડાયા હતા. અહીંથી જ તેમણે વિદ્યાર્થી કાર્યકર્તા તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. 1971માં તેઓ જન સંઘમાં જોડાયા અને શરૂઆતથી જ ભાજપમાં રહ્યા.

રૂપાણી 3 ટર્મ મહામંત્રી, રાજ્યસભા સાંસદ, પ્રદેશ પ્રમુખ અને પછી મુખ્યમંત્રી. તેઓ 1988થી 1995 દરમિયાન રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયર રહી ચૂક્યા છે. ગુજરાત પ્રદેશ ભાજપમાં મહત્ત્વની સંગઠનની જવાબદારી સહિત 3 ટર્મ મહામંત્રી રહી ચૂક્યા છે. 2006થી 2012 સુધી રાજ્યસભાના સાંસદ, 2013ના અંતમાં મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન, સૌરાષ્ટ્ર સ્ટોક એકસચેન્જના ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે. તેઓ પહેલી વિધાનસભા ચૂંટણી વજુભાઇ વાળા જે બેઠક (રાજકોટ-2)પર જીતતા આવ્યા હતા અને મોદી સૌપ્રથમ જ્યાંથી ધારાસભા લડ્યા એ સીટ પરથી લડ્યા અને કેબિનેટ મંત્રીનો હોદ્દો મળ્યો હતો, જેમાં તેમની પાસે પાણીપુરવઠા, શ્રમ અને રોજગાર, વાહનવ્યવહાર વિભાગ હતા. બાદમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી હતી. 7 ઓગસ્ટ 2016ના રોજ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યારબાદ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વિજય થતાં ફરી મુખ્યમંત્રી બન્યા હતા. પરંતુ 2021માં તેમણે મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપી દીધું હતું.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now