Ankita Bhandari Case: ઉત્તરાખંડના બહુ ચર્ચિત અંકિતા ભંડારી હત્યા કેસમાં એક નવો અને મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. પૂર્વ ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય સુરેશ રાઠોડની દેહરાદૂન પોલીસે ધરપકડ કરી છે. તેમના પર આરોપ છે કે તેમણે પક્ષના એક વરિષ્ઠ નેતાનું નામ અંકિતા ભંડારી હત્યા કેસ સાથે ખોટી રીતે જોડવા માટે કાવતરું રચ્યું હતું. આ કાર્યવાહી બાદ કેસ ફરી એકવાર રાજકીય અને જાહેર ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે. અંકિતા ભંડારી કેસ પહેલેથી જ ઉત્તરાખંડના સૌથી સંવેદનશીલ અને ચર્ચાસ્પદ કેસોમાંનો એક માનવામાં આવે છે. હવે આ કેસમાં રાજકીય ષડયંત્ર અને ખોટા ઓડિયો-વિડિયો ક્લિપ્સના આરોપો સામે આવતા સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં મળેલા પુરાવા અને સાક્ષીઓના નિવેદનોના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
દેહરાદૂન પોલીસના જણાવ્યા અનુસાર BJPના રાષ્ટ્રીય મહામંત્રી અને ઉત્તરાખંડ પ્રભારી દુષ્યંત ગૌતમે જાન્યુઆરી મહિનામાં દાલાનવાલા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે પૂર્વ ધારાસભ્ય સુરેશ રાઠોડ અને અભિનેત્રી ઉર્મિલા સનાવરે કેટલાક રાજકીય તત્વો સાથે મળીને ખોટા ઓડિયો અને વિડિયો તૈયાર કર્યા હતા. ફરિયાદ મુજબ, આ સામગ્રીનો હેતુ દુષ્યંત ગૌતમ, BJP અને પક્ષના અન્ય વરિષ્ઠ નેતાઓની છબીને નુકસાન પહોંચાડવાનો હતો. આ સામગ્રી સોશિયલ મીડિયા પર પ્રસારિત કરીને જાહેર શાંતિ ભંગ કરવાનો અને લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ આરોપ છે.
અંકિતા ભંડારી કેસ કેમ ચર્ચામાં રહ્યો?
અંકિતા ભંડારી ઉત્તરાખંડના ઋષિકેશ સ્થિત વનંતરા રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી 19 વર્ષીય યુવતી હતી. સપ્ટેમ્બર 2022માં તેની હત્યાના કેસે સમગ્ર દેશને ઝંઝોડીને રાખ્યો હતો. આ કેસમાં મુખ્ય આરોપી પુલકિત આર્ય છે, જે પૂર્વ BJP નેતા વિનોદ આર્યનો પુત્ર છે. અંકિતાની હત્યાના આરોપ બાદ ઉત્તરાખંડમાં ભારે રાજકીય અને સામાજિક વિરોધ જોવા મળ્યો હતો. કેસની તપાસ અને કાર્યવાહી લાંબા સમયથી ચર્ચામાં રહી છે.
આ પણ વાંચો: હનુમાન મંદિરમાં ચઢાવેલા દાનમાંથી મળી નકલી નોટો!: બેંકમાં ગણતરી દરમિયાન ખુલાસો થતાં તપાસ એજન્સીઓ સક્રિય
વાયરલ ઓડિયો બાદ વધી હતી ચર્ચા
અહેવાલો અનુસાર ડિસેમ્બર મહિનામાં ઉર્મિલા સનાવરે એક ઓડિયો ક્લિપ જાહેર કરી હતી. આ કથિત ઓડિયો દ્વારા એવો સંકેત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે દુષ્યંત ગૌતમનો અંકિતા ભંડારી કેસ સાથે કોઈ સંબંધ હોઈ શકે છે. આ દાવાઓ બાદ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ હતી. જોકે બાદમાં આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો અને તેની કાનૂની તપાસ શરૂ કરવામાં આવી હતી.
દિલ્હી હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો મામલો
જાન્યુઆરીમાં દુષ્યંત ગૌતમે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે ઉર્મિલા સનાવર, સુરેશ રાઠોડ અને કેટલાક વિરોધ પક્ષો દ્વારા તેમની બદનામી કરવામાં આવી રહી છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને સોશિયલ મીડિયા પરથી દુષ્યંત ગૌતમને અંકિતા ભંડારી કેસ સાથે જોડતી પોસ્ટ્સ 24 કલાકમાં દૂર કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ હરિદ્વાર અને દેહરાદૂનમાં અનેક FIR પણ નોંધાઈ હતી.
તપાસમાં સામે આવ્યા નવા તથ્યો
દેહરાદૂનના સિનિયર સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (SSP) પરમેન્દ્ર ડોભાલે જણાવ્યું કે તપાસ દરમિયાન મળેલા પુરાવા, સાક્ષીઓના નિવેદનો અને અન્ય દસ્તાવેજોના આધારે સુરેશ રાઠોડ વિરુદ્ધ વધુ ગંભીર કલમો ઉમેરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, કેસમાં ખંડણી (Extortion) સંબંધિત જોગવાઈઓ લાગુ કરવાની પણ જરૂરિયાત જણાઈ હતી. તપાસ દરમિયાન મળેલી માહિતીના આધારે પોલીસ ટીમે રવિવારે સુરેશ રાઠોડની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: 100% ઇથેનોલ પેટ્રોલની જગ્યા કેવી રીતે લેશે?: જાણો નવા ફ્યુઅલની સૌથી મોટી ઘાતક તાકાત અને કમજોરી
14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા
ધરપકડ બાદ સુરેશ રાઠોડને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમને સુધોવાલા જિલ્લા જેલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાએ ઉત્તરાખંડના રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે. રાજકીય વર્તુળોમાં હવે આ કેસની આગામી તપાસ અને કાનૂની કાર્યવાહી પર સૌની નજર ટકેલી છે.
ઉર્મિલા સનાવર અને રાઠોડનો વિવાદ પણ રહ્યો ચર્ચામાં
સુરેશ રાઠોડ અને ઉર્મિલા સનાવર અગાઉ પોતાના સંબંધોને લઈને પણ ચર્ચામાં રહ્યા હતા. બંનેએ એક સમયે પોતે લગ્ન કર્યાનો દાવો કર્યો હતો. આ મામલા બાદ BJPએ રાઠોડને છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા. કારણ કે ઉત્તરાખંડમાં અમલમાં આવેલા યુનિફોર્મ સિવિલ કોડ (UCC) હેઠળ બહુપત્નીત્વ પર પ્રતિબંધ છે. જોકે બાદમાં રાઠોડે જાહેરમાં દાવો કર્યો હતો કે તેમણે ઉર્મિલા સનાવર સાથે લગ્ન કર્યા નહોતા.
તપાસના આગામી તબક્કા પર સૌની નજર
અંકિતા ભંડારી કેસ પહેલેથી જ ઉત્તરાખંડમાં અત્યંત સંવેદનશીલ મુદ્દો રહ્યો છે. હવે પૂર્વ ધારાસભ્યની ધરપકડ બાદ કેસમાં રાજકીય ષડયંત્ર અને ખોટી માહિતી ફેલાવવાના આરોપો ઉમેરાતા મામલો વધુ જટિલ બની ગયો છે.
તપાસ એજન્સીઓ હવે આ સમગ્ર કથિત કાવતરાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આગામી દિવસોમાં તપાસમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.






