Cockroach Janata Party Protest Jaipur: રાજસ્થાનની રાજધાની જયપુરમાં શિક્ષણ વ્યવસ્થા, NEET પેપર લીક અને બેરોજગારી જેવા મુદ્દાઓને લઈને આયોજિત વિરોધ પ્રદર્શન દરમિયાન એક અચાનક ઘટના બનતાં ભારે ચકચાર મચી ગઈ હતી. કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દિપકે પર જાહેર કાર્યક્રમ દરમિયાન એક અજાણ્યા યુવકે હુમલો કરી તેમને લાભો મારી દીધી હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. અભિજીત દિપકે અગાઉ દિલ્હીમાં થયેલા પ્રદર્શન બાદ દેશભરમાં આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ જ અભિયાનના ભાગરૂપે તેઓ જયપુરના શહીદ સ્મારક ખાતે યોજાયેલા વિરોધ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાનો અને કાર્યકરો પણ આ પ્રદર્શનમાં જોડાયા હતા.
ભીડ વચ્ચે પહોંચ્યો યુવક અને કર્યો હુમલો
મળતી માહિતી અનુસાર અભિજીત દિપકે પોતાના સમર્થકોના ખભા પર બેસીને કાર્યક્રમ સ્થળ તરફ આગળ વધી રહ્યા હતા. આ દરમિયાન ભીડમાંથી ત્રણ લોકો તેમની નજીક પહોંચ્યા હતા. વીડિયોમાં જોવા મળે છે કે પહેલા તેમના ગળામાં રહેલો ગમછો ખેંચવામાં આવ્યો હતો અને ત્યારબાદ એક યુવકે તેમની પર એક પછી એક અનેક થપ્પડ મારી દીધા હતા. ઘટના બનતા જ આસપાસ હાજર સમર્થકો તાત્કાલિક સક્રિય થઈ ગયા હતા અને હુમલો કરનાર યુવકને પકડી લીધો હતો. ત્યારબાદ સ્થળ પર થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ પણ વાંચો: ‘કોકરોચ જનતા પાર્ટી’ પછી હવે આવી ‘ઈશ્ક કરો પાર્ટી’: પૂર્વ જજ કાત્જુની અનોખી જાહેરાત
હુમલાખોરને પોલીસે લીધો કસ્ટડીમાં
ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે આરોપી યુવકને ભીડમાંથી બહાર કાઢીને કસ્ટડીમાં લીધો હતો અને તેને વિદ્યાધરનગર નહીં પરંતુ વિધાયકપુરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. હાલ સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે. પોલીસ અધિકારીઓ હુમલાખોરની ઓળખ, હુમલા પાછળનું કારણ અને કોઈ પૂર્વ આયોજન હતું કે નહીં તે અંગે તપાસ કરી રહ્યા છે. અત્યાર સુધી હુમલાખોરની ઓળખ જાહેર કરવામાં આવી નથી.
પ્રદર્શન માટે અગાઉથી મળી હતી શરતી મંજૂરી
આ કાર્યક્રમ પહેલાં પણ કોકરોચ જનતા પાર્ટીના કાર્યકરો અને જયપુર પોલીસ વચ્ચે મંજૂરીને લઈને વિવાદ સર્જાયો હતો. પાર્ટીના કાર્યકરોએ પોલીસ દ્વારા શરૂઆતમાં મંજૂરી ન આપવામાં આવતા વિરોધ નોંધાવ્યો હતો.
ત્યારબાદ પોલીસ દ્વારા કેટલીક શરતો સાથે પ્રદર્શન યોજવાની મંજૂરી આપવામાં આવી હતી. પ્રશાસને સ્પષ્ટ કર્યું હતું કે કાર્યક્રમમાં 800થી વધુ લોકો હાજર રહી શકશે નહીં અને કાયદો-વ્યવસ્થા તેમજ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આયોજકોને જવાબદારી સોંપવામાં આવી હતી.
આ પણ વાંચો: કોકરોચ જનતા પાર્ટી પછી હવે IKP!: પૂર્વ સુપ્રીમ કોર્ટ જજે બનાવી ‘ઈશ્ક કરો પાર્ટી’, જાણો શું છે હેતુ
વિદ્યાર્થીઓ અને યુવાનોના મુદ્દે યોજાયું હતું આંદોલન
કોકરોચ જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકાએ અગાઉ લોકોને મોટી સંખ્યામાં પ્રદર્શનમાં જોડાવા અપીલ કરી હતી. તેમણે લોકોને તિરંગો, પુસ્તકો અને ફૂલ લઈને આવવા જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે આ માત્ર કોઈ એક રાજકીય સંગઠનનું આંદોલન નથી, પરંતુ દેશના વિદ્યાર્થીઓ, યુવાનો અને વાલીઓની લડત છે. NEET પેપર લીક, શિક્ષણ વ્યવસ્થામાં સુધારા અને બેરોજગારી જેવા મુદ્દાઓને લઈને આ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કેટલાક લોકો આ ઘટનાની નિંદા કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો સુરક્ષા વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.
હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને આગળની કાનૂની કાર્યવાહી માટે પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. ઘટનાએ રાજસ્થાનના રાજકીય અને સામાજિક વર્તુળોમાં નવી ચર્ચા જગાવી છે.






