Home Gujarat Ews Class Demands 10 Percent Political Reservation

'ઝવેરી પંચની વિગત મુજબ ઇલેક્શન કમિશન કામ કરે' : EWS વર્ગની રાજકીય 10 ટકા અનામતની માંગ

'ઝવેરી પંચની વિગત મુજબ ઇલેક્શન કમિશન કામ કરે'
Published by: OBS Bureau
Last Updated: Jan 20, 2026, 11:09 AM IST

ગાંધીનગર ખાતે આજે બિન અનામત વર્ગના સામાજિક આગેવાનોની ચિંતન બેઠક યોજાઈ હતી, જે પૂર્ણ થયા બાદ પાટીદાર, ક્ષત્રિય અને બ્રહ્મ સમાજના અગ્રણીઓના મહત્વપૂર્ણ નિવેદનો સામે આવ્યા છે. બેઠકમાં ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીઓમાં EWS વર્ગને રાજકીય અનામત આપવાની માંગને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે આજે ગાંધીનગર ખાતે બિન અનામત વર્ગના સામાજિક આગેવાનોની બેઠક સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. તેમણે રાજ્ય સરકારને સ્પષ્ટ માંગ કરતા કહ્યું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં EWS વર્ગ માટે 10 ટકા અનામતની વ્યવસ્થા કરવામાં આવે. તેમણે આક્ષેપ કર્યો કે રાજ્ય સરકાર દ્વારા ઝવેરી કમિશનના આધારે જે રોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે તેમાં આડેધડ અને ખામીવાળી ફાળવણી કરવામાં આવી છે. જે આધાર પર રોસ્ટરની ફાળવણી કરવામાં આવી છે તે ખોટો અને અયોગ્ય હોવાનું તેમણે જણાવ્યું.

'બિન અનામત વર્ગ આગામી ચૂંટણીમાં પોતાનો પરચો બતાવશે'

દિનેશ બાંભણિયાએ વધુમાં કહ્યું કે, 'રાજ્ય સરકારએ પહેલા આ તમામ ખામીઓ દૂર કરવી જોઈએ અને ત્યારબાદ જ ચૂંટણી જાહેર કરવી જોઈએ. આ બાબતે સરકારને લેખિતમાં રજૂઆત આપવામાં આવશે. જો સરકાર તેમની માંગ સ્વીકારશે નહીં તો જિલ્લા વાઈઝ ધારાસભ્યો અને સાંસદોને મળી આવેદન આપવામાં આવશે. તેમણે ચેતવણી આપતા જણાવ્યું કે જો તેમ છતાં સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો સમગ્ર બિન અનામત વર્ગ આગામી ચૂંટણીમાં પોતાનો પરચો બતાવશે.

'ઝવેરી કમિશનનો રિપોર્ટ ધ્યાનપૂર્વક વાંચવો જરૂરી છે'

તેમણે જણાવ્યું કે, ઝવેરી કમિશનનો રિપોર્ટ ધ્યાનપૂર્વક વાંચવો જરૂરી છે, કારણ કે તેના આધારે કોઈ પણ સમાજ વાંધો લઈ શકે છે. વોર્ડની આકારણી અને રોસ્ટરની ફાળવણી બન્ને વસ્તીના આધારે થવી જોઈએ, જ્યારે હાલ આ પ્રક્રિયામાં સુપ્રીમ કોર્ટની સૂચનાઓનું ઉલ્લંઘન થયું છે. વોર્ડમાં કયા સમાજની વસ્તી વધુ છે તે જોવું જરૂરી છે. આ મુદ્દે ઇલેક્શન કમિશન સમક્ષ પણ વાંધાઓ રજૂ કરવામાં આવ્યા હોવાનું તેમણે ઉમેર્યું. સાથે જ ઉત્તર પ્રદેશના આધાર પર સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની તૈયારી હોવાનું પણ તેમણે જણાવ્યું.

'બિન અનામત વર્ગના તમામ લોકો એકસાથે મળી આ લડત લડશે'

ક્ષત્રિય સમાજના આગેવાન રમજુભા જાડેજાએ જણાવ્યું હતું કે આજની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે બિન અનામત વર્ગના તમામ લોકો એકસાથે મળી આ લડત લડશે. તમામ સમાજો એકજૂટ રહી પોતાના હક માટે સંઘર્ષ કરશે એવો નિર્ધાર લેવામાં આવ્યો છે. બ્રહ્મ સમાજના અગ્રણી અશ્વિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં બિન અનામત વર્ગને 10 ટકા અનામત મળવી જ જોઈએ. તેમણે કહ્યું કે ઝવેરી પંચની વિગતો મુજબ ઇલેક્શન કમિશને કામગીરી કરવી જોઈએ. કાયદો સર્વોપરી છે અને રાજ્ય સરકારએ કાયદા અનુસાર જ કામ કરવું જરૂરી છે. જેમ શિક્ષણ ક્ષેત્રમાં EWSના આધારે અનામત આપવામાં આવે છે તેમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ EWSના આધારે અનામત મળવી જોઈએ તેવી તેમણે માગ કરી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now