EPF Interest 2026: દેશભરના કરોડો કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) એકાઉન્ટ હોલ્ડર્સ પોતાના ખાતાના બેલેન્સ પર નજર રાખી રહ્યા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા નાણાકીય વર્ષ 2025-26 માટે વ્યાજ દર 8.25% પર યથાવત રાખ્યા બાદ સભ્યો એ જાણવા માંગે છે કે તેમના ખાતામાં વાર્ષિક વ્યાજ ક્યાર સુધી જમા થશે. દર વર્ષે વ્યાજ દરની જાહેરાત અને વાસ્તવિક ક્રેડિટ વચ્ચે થોડા સમયનો તફાવત રહે છે. આવા સમયમાં ઘણા સભ્યો એ વિચારીને પરેશાન થઈ જાય છે કે ક્યાંક વ્યાજ જમા થવામાં વિલંબ તો નથી થઈ રહ્યો ને અને આ રકમ તેમના ખાતામાં ક્યારે દેખાશે.
શું છે વર્તમાન EPF વ્યાજ દર?
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં 28 ફેબ્રુઆરી 2026ના રોજ યોજાયેલી EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની બેઠકમાં નાણાકીય વર્ષ 2025-26 માટે EPF જમા રકમ પર 8.25% વાર્ષિક વ્યાજ દરની ભલામણ કરવામાં આવી હતી. આ સતત ત્રીજું વર્ષ છે જ્યારે વ્યાજ દર 8.25% પર જાળવી રાખવામાં આવ્યો છે. આ અગાઉ નાણાકીય વર્ષ 2022-23માં વ્યાજ દર 8.15% થી વધારીને 8.25% કરવામાં આવ્યો હતો. EPF રોકાણકારો માટે આ સરકાર સમર્થિત રિટાયરમેન્ટ બચત પ્લાનમાં સૌથી આકર્ષક રિટર્નમાંથી એક માનવામાં આવે છે. જો કે, વ્યાજની ગણતરી માસિક રનિંગ બેલેન્સના આધારે કરવામાં આવે છે, પરંતુ તમામ જરૂરી મંજૂરીઓ અને એકાઉન્ટ અપડેટ પ્રક્રિયા પૂર્ણ થયા પછી વર્ષમાં એકવાર ખાતામાં ક્રેડિટ કરવામાં આવે છે.
ખાલી દુકાનથી દર મહિને 60,000 સુધીની કમાણી? : ATM માટે જગ્યા આપતા પહેલાં જાણો આ નિયમ
ખાતામાં ક્યાર સુધી આવી શકે છે વ્યાજ?
EPFO એ હજુ સુધી નાણાકીય વર્ષ 2025-26 માટે વ્યાજ ક્રેડિટ કરવાની કોઈ ચોક્કસ તારીખ જાહેર કરી નથી. જો કે, પાછલા વર્ષોના ટ્રેન્ડ પરથી સંભવિત સમયસીમાનો અંદાજ લગાવી શકાય છે. ગયા વર્ષે નાણા મંત્રાલયે મે 2025 માં 8.25% વ્યાજ દરને મંજૂરી આપી હતી. ત્યારબાદ જૂનમાં EPFO એ સભ્યોના ખાતા અપડેટ કરવાનું શરૂ કર્યું હતું અને જુલાઈની શરૂઆત સુધીમાં મોટાભાગના ખાતામાં વ્યાજ જમા થઈ ગયું હતું. જો આ વર્ષે પણ આ જ પ્રક્રિયા અપનાવવામાં આવે તો આગામી થોડા અઠવાડિયામાં EPF ખાતાધારકોને તેમના ખાતામાં વ્યાજની એન્ટ્રી જોવા મળી શકે છે.
વ્યાજ દરની જાહેરાત અને ક્રેડિટમાં વિલંબ કેમ થાય છે?
EPF વ્યાજ દરની જાહેરાત થતાંની સાથે જ રકમ આપોઆપ ખાતામાં જમા થતી નથી. સૌથી પહેલા EPFOનું સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) વ્યાજ દરની ભલામણ કરે છે. ત્યારબાદ આ પ્રસ્તાવ સરકાર પાસે મંજૂરી માટે મોકલવામાં આવે છે. સરકારી મંજૂરી મળ્યા પછી જ EPFO કરોડો ખાતાઓમાં વ્યાજની ગણતરી અને ક્રેડિટ કરવાની પ્રક્રિયા શરૂ કરે છે. આ પ્રક્રિયા ઘણી મોટી હોય છે કારણ કે EPFO વિશ્વની સૌથી મોટી રિટાયરમેન્ટ સેવિંગ સિસ્ટમ્સમાંની એક છે અને તેના 7 કરોડથી વધુ સક્રિય (એક્ટિવ) સભ્યો છે. વ્યાજની ગણતરી કરતી વખતે યોગદાન (કન્ટ્રીબ્યુશન), ઉપાડ (વિથડ્રોઅલ), ટ્રાન્સફર અને અન્ય વ્યવહારોને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે.
શું વિલંબ થવાથી વ્યાજનું નુકસાન થાય છે?
ના. જો પાસબુકમાં વ્યાજની એન્ટ્રી મોડી દેખાય તો તેનાથી સભ્યને કોઈ નુકસાન થતું નથી. EPF વ્યાજ સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન માસિક રનિંગ બેલેન્સના આધારે ગણવામાં આવે છે અને તે સભ્યને સંપૂર્ણપણે મળવાપાત્ર રહે છે. સરળ શબ્દોમાં કહીએ તો, પાસબુક અપડેટ થવામાં વિલંબ થવાને કારણે વ્યાજની રકમ ઘટતી નથી. આ માત્ર વહીવટી પ્રક્રિયાનો એક ભાગ છે. આ જ કારણે EPFO સમય-સમય પર સભ્યોને સલાહ આપે છે કે વ્યાજની એન્ટ્રી મોડી દેખાવા પર ચિંતા કરવાની જરૂર નથી.
આ રીતે ચેક કરો વ્યાજ ક્રેડિટ થયું કે નહીં
EPF સભ્યો તેમના યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) ની મદદથી EPFO પાસબુક પોર્ટલ પર લોગિન કરીને વ્યાજની સ્થિતિ જાણી શકે છે. આ સિવાય સભ્યો UMANG એપ દ્વારા પણ પોતાનું બેલેન્સ અને પાસબુક જોઈ શકે છે. EPFO ની SMS અને મિસ્ડ કોલ સેવા દ્વારા પણ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ખાતા સંબંધિત માહિતી મેળવી શકાય છે.





