Home Gujarat Employees Are Furious Over The Dismissal Of More Than 50 Employees In The District Including Surat

સુરત જિલ્લા પંચાયતમાં મોટા પાયે કર્મચારીઓની છટણી : સુરત સહિત જિલ્લામાં 50થી વધુ કર્મચારીઓને છુટા કરવામાં આવ્યા હતા તેને લઈને કર્મચારીઓ રોષે ભરાય

સુરત જિલ્લા પંચાયતમાં મોટા પાયે કર્મચારીઓની છટણી
Published by: OBS Bureau
Last Updated: Jan 27, 2026, 11:50 AM IST

Surat District Panchayat Layoffs: સુરત જિલ્લા પંચાયત સહિત રાજ્યભરની વિવિધ જિલ્લા પંચાયતોમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓની મોટા પાયે છટણી કરવામાં આવતા ભારે વિવાદ ઊભો થયો છે. સુરત જિલ્લામાં પંચાયત વિભાગમાં ફરજ બજાવતા 50થી વધુ કર્મચારીઓને છુટા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે સમગ્ર ગુજરાતભરમાં અંદાજે 1500થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી હટાવવામાં આવ્યા હોવાની માહિતી મળી છે.

12થી 18 વર્ષથી કોન્ટ્રાક્ટ પર સેવા આપતા કર્મચારીઓ

છુટા કરવામાં આવેલા કર્મચારીઓ છેલ્લા 12થી 18 વર્ષથી કોન્ટ્રાક્ટ આધારિત રીતે જિલ્લા પંચાયતમાં સેવા આપી રહ્યા હતા. વર્ષો સુધી સતત સેવા આપ્યા બાદ અચાનક લેવામાં આવેલા આ નિર્ણયથી કર્મચારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. કર્મચારીઓનું કહેવું છે કે જીવનનો મોટો ભાગ પંચાયત વિભાગને આપ્યા બાદ હવે આ ઉંમરે નોકરીમાંથી હટાવવાથી તેઓ ક્યાં જશે અને કોને નોકરી આપશે તે મોટો પ્રશ્ન છે.

ઇન્ક્રૂમેન્ટ બાકી હોવા છતાં છટણી

કર્મચારીઓએ વધુમાં જણાવ્યું કે હજુ તો બે વર્ષનું ઇન્ક્રૂમેન્ટ પણ બાકી છે. તેમ છતાં કોઈ પૂર્વ સૂચના કે ચર્ચા વિના સીધી જ નોકરીમાંથી હટાવી દેવામાં આવ્યા છે. આ નિર્ણયથી કર્મચારીઓ અને તેમના પરિવારજનો માનસિક અને આર્થિક તણાવમાં મુકાઈ ગયા છે.

ઈ-મેલ દ્વારા રાતોરાત જાણ કરાઈ

ચોંકાવનારી બાબત એ છે કે ગત 20 જાન્યુઆરી 2025ના રોજ રાત્રિના સમયે તમામ કર્મચારીઓને ઈ-મેલ મારફતે નોકરીમાંથી છુટા કરવાની જાણ કરવામાં આવી હતી. રાતોરાત લેવાયેલા આ નિર્ણયથી કર્મચારીઓમાં રોષ વધુ ભડકી ઉઠ્યો છે. કર્મચારીઓનું કહેવું છે કે આ પ્રકારની કાર્યવાહી અમાનવીય છે.

સુરત જિલ્લા પંચાયત કચેરી બહાર વિરોધ પ્રદર્શન

છટણીના વિરોધમાં છુટા કરાયેલા કર્મચારીઓ સુરત જિલ્લા પંચાયત કચેરી બહાર એકત્રિત થયા હતા અને દેખાવ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓએ ન્યાયની માંગ કરી હતી અને સરકાર તથા પ્રશાસન સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા.

સરકાર સામે પ્રશ્નો, ન્યાયની માંગ

કર્મચારીઓએ જણાવ્યું કે વર્ષો સુધી સેવા આપ્યા બાદ તેમને કાયમી કરવાની જગ્યાએ છુટા કરવામાં આવ્યા છે, જે અણ્યાય છે. તેમણે સરકારને આ નિર્ણય પર પુનર્વિચાર કરવાની અને પોતાને ન્યાય આપવાની માંગ કરી છે. હવે જોવાનું રહ્યું કે પ્રશાસન આ મામલે શું વલણ અપનાવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now