મહેસાણા શહેરના શોભાસણ રોડ પર ભૂગર્ભ ગટર માટે કરવામાં આવેલા ખોદકામના કારણે એક દુઃખદ ઘટના બની છે. મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર લાઇન નાખવા માટે રોડ પર મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો, પરંતુ રાત્રિના અંધારામાં ત્યાં ડાયવર્ઝન અથવા કોઈપણ પ્રકારની આડાશ ન હોવાને કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
70 વર્ષીય દિવ્યાંગ અબ્દુલસત્તાર ખત્રીનું મોત
ત્રણ પૈડાવાળી એક્ટિવા લઈને પસાર થઈ રહેલા 70 વર્ષીય દિવ્યાંગ અબ્દુલસત્તાર ખત્રી અંધારામાં ખાડો ન જોઈ શકતા સીધા તેમાં પટકાઈ ગયા હતા. ખાડામાં પડતાં તેમને ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ તેમનું દુઃખદ મોત નીપજ્યું હતું.
સ્થાનિકોમાં ભારે રોષ
દિવ્યાંગ નાગરિક માટે મૂળભૂત સુરક્ષા વ્યવસ્થા ન રાખવામાં આવી હોવા અંગે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને મ્યુનિસિપલ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને ખાડા નજીક સુરક્ષા વ્યવસ્થા કેમ ન હતી તેની તપાસ શરૂ કરી છે. શહેરમાં ચાલતા ગટર ખોદકામ દરમિયાન સુરક્ષાના અભાવને લઈને ફરી એકવાર પ્રશ્નો ઉઠી રહ્યા છે.






