Home Gujarat Ed Seizes Himanshus Assets In Fraud Case Of Over Rs 10 Crore

10 કરોડથી વધુની છેતરપિંડી કેસમાં હિમાંશુની સંપત્તિ EDએ જપ્ત કરી : દેશભરમાં 6થી વધુ FIR, PMLA હેઠળ કાર્યવાહી

10 કરોડથી વધુની છેતરપિંડી કેસમાં હિમાંશુની સંપત્તિ EDએ જપ્ત કરી
Published by: OBS Bureau
Last Updated: Jan 02, 2026, 05:02 AM IST

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અમદાવાદ ઝોનલ ઓફિસે શેર માર્કેટમાં રોકાણના નામે કરવામાં આવેલી મોટી ઠગાઈના કેસમાં મહત્વની કાર્યવાહી કરી છે. મની લોન્ડરિંગ પ્રિવેન્શન એક્ટ (PMLA) હેઠળ અમદાવાદના આરોપી હિમાન્શુ ઉર્ફે પિન્ટુ ભાવસાર તથા અન્ય સંડોવાયેલા આરોપીઓ સામે ચાલી રહેલી તપાસ દરમિયાન EDએ કરોડો રૂપિયાની મિલકત અને નાણાં જપ્ત કર્યા છે.

110 કિલોગ્રામ ચાંદી જપ્ત

આ કેસ સ્ટોક માર્કેટમાં રોકાણ પર મોટો નફો અપાવાની લાલચ આપી સામાન્ય રોકાણકારોને ઠગવાના ગંભીર ફ્રોડ સાથે જોડાયેલો છે. તપાસ દરમિયાન EDએ 110 કિલોગ્રામ ચાંદી, 1.296 કિલોગ્રામ સોનું, 39.7 કિલોગ્રામ જ્વેલરી તેમજ મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કર્યા છે. આ તમામ જપ્તીનું કુલ મૂલ્ય અંદાજે રૂપીયા 4.5 કરોડથી વધુ હોવાનું જાણવા મળ્યું છે.

નફો અપાવાનો વાયદો કરી લોકો પાસેથી રોકાણ કરાવ્યું

EDની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી હિમાન્શુ ઉર્ફે પિન્ટુ ભાવસારે SEBIની કોઈપણ નોંધણી વગર ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી ફર્મ શરૂ કરી હતી અને શેર માર્કેટમાં ખાતરીપૂર્વક મોટો નફો અપાવાનો વાયદો કરી લોકો પાસેથી રોકાણ કરાવ્યું હતું. આ રીતે તેણે અનેક સામાન્ય રોકાણકારોને ખોટી આશા આપી મોટી રકમ ઉઘરાવી હતી.

દેશભરમાં 6થી વધુ FIR નોંધાઈ

આ ફ્રોડ મામલે અત્યાર સુધી દેશભરમાં 6થી વધુ FIR નોંધાઈ ચૂકી છે, જેમાં કુલ ફ્રોડની રકમ અંદાજે રૂપીયા 10.87 કરોડ હોવાનું સામે આવ્યું છે. આરોપી સામે અગાઉ મહેસાણા જિલ્લાના ખેરાલુ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઈ ચૂકી છે, જેના આધારે EDએ PMLA હેઠળ કાર્યવાહી શરૂ કરી હતી. હાલ ED દ્વારા આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આ મની લોન્ડરિંગ કેસમાં અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થા સંડોવાયેલી છે કે નહીં, તેમજ ફ્રોડના નાણાં ક્યાં ક્યાં રોકાણ કરવામાં આવ્યા છે તે અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. આવનારા સમયમાં આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now