આફ્રિકાના અનેક દેશોમાં ઝડપથી ફેલાઈ રહેલા ઈબોલા વાયરસને લઈને વિશ્વભરમાં ચિંતા વધી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ ઇબોલા વાયરસના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે. આ પરિસ્થિતિ વચ્ચે ભારત સરકારે પણ સાવચેતીના ભાગરૂપે હેલ્થ એડવાઇઝરી જાહેર કરી છે અને દેશના તમામ એરપોર્ટ, બંદરો તથા આંતરરાષ્ટ્રીય એન્ટ્રી પોઇન્ટ્સ પર કડક સ્ક્રીનિંગ શરૂ કરવા સૂચના આપી છે.
કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી સૂચનાઓ અનુસાર, ખાસ કરીને આફ્રિકાના પ્રભાવિત દેશોમાંથી આવતા અથવા તે દેશોમાંથી ટ્રાન્ઝિટ કરીને ભારત પહોંચતા મુસાફરો પર વિશેષ નજર રાખવામાં આવશે. હાલ દેશમાં ઇબોલાનો કોઈ સત્તાવાર કેસ નોંધાયો નથી, પરંતુ વૈશ્વિક પરિસ્થિતિને જોતા કેન્દ્ર સરકારે પહેલેથી જ સાવચેતીના પગલાં શરૂ કર્યા છે.
130થી વધુ લોકોના મોત, સૈંકડો સંક્રમિત
હાલ ઈબોલા વાયરસનો પ્રકોપ મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના કાંગો, યુગાંડા, સુદાન, ગિની, લાઇબેરિયા અને સિયેરા લિઓન જેવા દેશોમાં જોવા મળી રહ્યો છે. અહેવાલો મુજબ અત્યાર સુધી 130થી વધુ લોકોના મોત થયા છે જ્યારે લગભગ 500 લોકો સંક્રમિત હોવાનું જણાવાયું છે. વિશ્વ આરોગ્ય સંગઠને ચેતવણી આપી છે કે જો સમયસર નિયંત્રણ નહીં લાવવામાં આવે તો વાયરસ વધુ વિસ્તારોમાં ફેલાઈ શકે છે. ઇબોલા અત્યંત ઘાતક વાયરસ માનવામાં આવે છે અને તેના કારણે મૃત્યુદર પણ ઊંચો રહે છે. ભારત સરકારે ખાસ કરીને કાંગો, યુગાંડા અને દક્ષિણ સુદાનથી આવનારા મુસાફરોની કડક તપાસના આદેશ આપ્યા છે. એરપોર્ટ પર હેલ્થ ડેસ્ક અને સ્ક્રીનિંગ ટીમોને એલર્ટ રાખવામાં આવી છે.
આ પણ વાંચો: EPFO Update: સૌથી મોટા ખુશખબર! : UPI દ્વારા ઉપાડી શકાશે PFના પૈસા, ટેસ્ટિંગ થયું પૂરું
લક્ષણો દેખાય તો તરત જાણ કરવાની અપીલ
હેલ્થ એડવાઇઝરીમાં જણાવાયું છે કે પ્રભાવિત દેશોમાંથી આવતા મુસાફરોમાં જો ઇબોલાના લક્ષણો દેખાય તો તેઓએ તરત એરપોર્ટ હેલ્થ ડેસ્ક અથવા આરોગ્ય અધિકારીઓને જાણ કરવી જોઈએ. સાથે જ જો કોઈ વ્યક્તિ ઇબોલા સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવી હોય તો પણ તરત આરોગ્ય વિભાગને માહિતી આપવાની અપીલ કરવામાં આવી છે.
ઈબોલાના પ્રાથમિક લક્ષણોમાં ઊંચો તાવ, ગંભીર નબળાઈ, થાક, માથાનો દુખાવો, ગળામાં દુખાવો, સાંધા અને સ્નાયુઓમાં પીડાનો સમાવેશ થાય છે. ગંભીર સ્થિતિમાં દર્દીને ઉલ્ટી, ડાયરીયા અને શરીરના આંતરિક તેમજ બાહ્ય ભાગોમાંથી અચાનક રક્તસ્ત્રાવ પણ થઈ શકે છે. આરોગ્ય મંત્રાલયે ચેતવણી આપી છે કે ઇબોલા વાયરસને લઈને બેદરકારી રાખવામાં આવશે તો તે કોરોના મહામારી જેવી ગંભીર સ્થિતિ સર્જી શકે છે.
કેન્દ્ર સરકારે બોલાવી હાઈ લેવલ બેઠક
ઈબોલાના વધતા જોખમ વચ્ચે કેન્દ્રિય આરોગ્ય સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે હાઈ લેવલ બેઠક યોજી હતી. બેઠકમાં તમામ રાજ્યોને સંક્રમણ સામે તૈયાર રહેવા અને જરૂરી આરોગ્ય સુવિધાઓ સજ્જ રાખવા સૂચના આપવામાં આવી હતી.
કેન્દ્ર સરકારે રાજ્યોને SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) પણ મોકલી છે, જેમાં સ્ક્રીનિંગ, ક્વોરન્ટાઇન પ્રોટોકોલ, કેસ મેનેજમેન્ટ, રિફરલ સિસ્ટમ અને લેબ ટેસ્ટિંગ સંબંધિત માર્ગદર્શિકા સામેલ છે.આ SOP અનુસાર, શંકાસ્પદ દર્દીઓને અલગ રાખવા, ઝડપી ટેસ્ટિંગ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.
શું છે ઈબોલા વાયરસ?
ઈબોલા વાયરસ ઓર્થોઇબોલાવાયરસ પરિવારનો ઝૂનોટિક વાયરસ છે, જે માનવો માટે અત્યંત જીવલેણ માનવામાં આવે છે. આ વાયરસ મુખ્યત્વે સંક્રમિત વ્યક્તિના શરીરના પ્રવાહી, લોહી અથવા પ્રાણીઓના સંપર્કથી ફેલાય છે.
વિશ્વભરમાં ઇબોલાના અગાઉ પણ અનેક પ્રકોપ જોવા મળ્યા છે, જેમાં હજારો લોકોના મોત થયા હતા. આરોગ્ય નિષ્ણાતોના મતે, સમયસર ઓળખ, આઇસોલેશન અને સારવાર દ્વારા વાયરસના ફેલાવાને ઘણાં અંશે રોકી શકાય છે. ભારત સરકારે હાલ સ્થિતિ પર સતત નજર રાખી છે અને જરૂરી પડે તો વધુ કડક પગલાં લેવામાં આવી શકે છે.






