Earthquake News : સાસણ ગીર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારે ધરા ફરી એકવાર ધ્રુજી ઊઠી હતી. 10:51 વાગ્યે 3.1 તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. અચાનક આવેલા આ આંચકાથી વિસ્તારના લોકો ઘરમાંથી બહાર નીકળી આવ્યા હતા. સદ્દભાગ્યે હાલ સુધી કોઈ જાનહાની કે નુકસાનની માહિતી સામે આવી નથી.
સાસણ ગીરમાં ફરી ધરા ધ્રુજી
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી તાલાલા અને સાસણ ગીર વિસ્તારમાં સતત નાના-મોટા સામાન્ય ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. સતત ધ્રુજારી અનુભવાતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે, જ્યારે નિષ્ણાતો પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે. સ્થાનિક પ્રશાસન દ્વારા લોકોને શાંતિ રાખવાની અને જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
જાણો ભૂકંપ કેમ આવે છે?
ભૂકંપનું મુખ્ય કારણ પ્લેટો તૂટ્યા પછી અને અથડાયા પછી ઉર્જાનું પ્રકાશન છે. પૃથ્વીની નીચે હાજર આ ટેક્ટોનિક પ્લેટો ધીમી ગતિએ ફરે છે. આ પ્રક્રિયા દરમિયાન કેટલીક પ્લેટો એકબીજા ઉપર ખસે છે અને કેટલીક પોતાની જગ્યાએથી સરકી જાય છે, જેના કારણે ભૂકંપ થાય છે. જે જગ્યાએ ખડકો એકબીજા સાથે અથડાય છે તે ભૂકંપનું કેન્દ્રબિંદુ છે. ભૂકંપની ઉર્જા આ કેન્દ્રબિંદુમાંથી ફેલાય છે, જ્યારે તે સપાટી પર પહોંચે છે, ત્યારે કંપનો અનુભવ થાય છે.






