Home Gujarat Dy Cm Harsh Sanghvi Will Showcase Gujarat Globally In Davos

Dy CM હર્ષ સંઘવી દાવોસમાં કરશે ગુજરાતનું વૈશ્વિક પ્રદર્શન : WEF 2026માં યોજાશે 58+ હાઈ-લેવલ બેઠકો

Dy CM હર્ષ સંઘવી દાવોસમાં કરશે ગુજરાતનું વૈશ્વિક પ્રદર્શન
Published by: OBS Bureau
Last Updated: Jan 18, 2026, 10:24 AM IST

Dy CM Harsh Sanghvi: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય સરકારનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં યોજાનાર વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) 2026માં ભાગ લેવા જઈ રહ્યું છે. 19 થી 23 જાન્યુઆરી દરમિયાન આ મહત્વપૂર્ણ વૈશ્વિક સમિટમાં ગુજરાત પોતાની ઔદ્યોગિક શક્તિ અને વિકાસ મોડલને વિશ્વ સમક્ષ રજૂ કરશે.

58 જેટલી વન-ટુ-વન બેઠકો યોજશે

આ પ્રવાસ દરમિયાન હર્ષ સંઘવી વિશ્વના ટોચના ઉદ્યોગપતિઓ અને નેતાઓ સાથે 58 જેટલી વન-ટુ-વન બેઠકો યોજશે. એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, સેમિકન્ડક્ટર, ફાર્માસ્યુટિકલ્સ, રિન્યુએબલ એનર્જી, ફૂડ પ્રોસેસિંગ, કેમિકલ્સ, લોજિસ્ટિક્સ અને એરોસ્પેસ જેવા ક્ષેત્રોમાં રોકાણ આકર્ષવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

નામાંકિત કંપનીઓના વડાઓ સાથે ચર્ચા

પ્રતિનિધિમંડળ AP Moller Maersk, Engie, EDF, Johnson Controls, Sumitomo Group, Linde, SEALSQ અને Tillman Global જેવી નામાંકિત કંપનીઓના વડાઓ સાથે ચર્ચા કરશે. આ બેઠકો દ્વારા ગુજરાતમાં નવી ટેક્નોલોજી, ઇનોવેશન અને લાંબા ગાળાના આંતરરાષ્ટ્રીય સહયોગને વેગ મળશે, જેથી રાજ્ય ગ્લોબલ વેલ્યુ ચેઈનમાં મહત્વનું સ્થાન મેળવી શકે.

ગુજરાતના સફળ વિકાસ મોડલને હાઈલાઈટ કરશે

વધુમાં, હર્ષ સંઘવી વિવિધ પ્રતિષ્ઠિત સત્રોમાં મુખ્ય વક્તા તરીકે ભાગ લેશે અને ‘નવી ભૌગોલિક-આર્થિક વ્યવસ્થામાં ભારત’, ‘એનર્જી ટ્રાન્ઝિશન’, ‘મિશન વોટર’, ‘સ્પોર્ટ્સની શક્તિ’ અને ‘સસ્ટેનેબિલિટી’ જેવા વિષયો પર ગુજરાતના સફળ વિકાસ મોડલને હાઈલાઈટ કરશે. ‘ગુજરાત - રેડી ફોર ધ વર્લ્ડ, વ્હેર વિઝન મીટ્સ એક્શન’ના સંદેશ સાથે રાજ્ય સરકાર ગુજરાતને વૈશ્વિક સ્તરે અગ્રેસર બનાવવા અને યુવાનો માટે મોટા પાયે રોજગારીની તકો ઉભી કરવાના નિર્ધાર સાથે આગળ વધી રહી છે. આ સહભાગીતા ગુજરાતની ઔદ્યોગિક ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે અને ‘વિકસિત ગુજરાત’ના સપનાને વાસ્તવિકતામાં બદલવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now