દેવભૂમિ દ્વારકામાં બુધવારે બપોરના સમયે આકાશમાં એક અનોખું અને આકર્ષક ખગોળીય દ્રશ્ય જોવા મળ્યું હતું. જગત મંદિરની ઉપર સૂર્યની આસપાસ તેજસ્વી ગોળાકાર મેઘધનુષ જેવી આકૃતિ સર્જાતા સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. આ દ્રશ્યને ઘણા લોકોએ આધ્યાત્મિક રીતે પણ જોડ્યું, જ્યારે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણે આ એક ખાસ પ્રાકૃતિક ઘટના છે.
શું હતું આ અદભૂત દ્રશ્ય?
બપોરના સમયે સૂર્ય બરોબર માથે હતો ત્યારે તેની આસપાસ જાડું અને રંગબેરંગી કુંડાળું દેખાયું હતું. આ ગોળાકાર રીંગને જોઈને લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. દ્વારકાધીશ મંદિર ઉપર સર્જાયેલા આ દ્રશ્યને કેટલાક લોકોએ દિવ્ય સંકેત માન્યો, તો નિષ્ણાંતો માટે આ ‘સન હેલો’ તરીકે ઓળખાતી ઘટના હતી.
‘સન હેલો’ શું છે અને કેવી રીતે બને છે?
ખગોળશાસ્ત્રીઓ મુજબ, આ ઘટનાને ‘સન હેલો’ અથવા ‘22 ડિગ્રી હેલો’ કહેવાય છે. જ્યારે વાતાવરણમાં ઊંચાઈએ પાતળા વાદળોમાં બરફના નાના સ્ફટિકો હાજર હોય છે, ત્યારે સૂર્યપ્રકાશ આ સ્ફટિકોમાંથી પસાર થતા વક્રીભવન પામે છે. પરિણામે સૂર્યની આસપાસ ગોળાકાર રીંગ બને છે, જે મેઘધનુષ જેવી રંગીન દેખાય છે.
લોકોએ મોબાઈલમાં કેદ કર્યા દ્રશ્યો
આ અદભૂત નજારો જોવા માટે લોકો પોતાના ઘર અને દુકાનોમાંથી બહાર આવી ગયા હતા. ઘણા લોકોએ આ ક્ષણોને મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી. હાલ સોશિયલ મીડિયા પર દ્વારકાના આકાશના આ ફોટા અને વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
ભલે આ ઘટના વૈજ્ઞાનિક કારણોસર બનેલી હોય, પરંતુ દ્વારકા જેવા પવિત્ર યાત્રાધામમાં મંદિરની આસપાસ આ પ્રકારનું દ્રશ્ય દેખાવું ભક્તો માટે એક વિશેષ અને યાદગાર અનુભવ બની રહ્યું છે.





