રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની પસંદગી માટે એક નવો અને આધુનિક માપદંડ અપનાવ્યો છે. જો તમારે ભાજપમાંથી ચૂંટણી લડવી હોય, તો હવે માત્ર જમીની સ્તરનું કામ જ નહીં, પણ સોશિયલ મીડિયા પર તમારી લોકપ્રિયતા કેટલી છે તે પણ સાબિત કરવું પડશે.
સેન્સ પ્રક્રિયામાં સોશિયલ મીડિયાનો દબદબો
રાજકોટ, વડોદરા અને સુરતમાં આજથી શરૂ થયેલી સેન્સ પ્રક્રિયામાં ભાજપે ઉમેદવારી ફોર્મમાં એક મહત્વનો ફેરફાર કર્યો છે. દાવેદારોએ હવે તેમના પરિચય પત્રમાં નીચેની વિગતો આપવી ફરજિયાત છે. જેમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને એક્સ (ટ્વિટર) ના એકાઉન્ટ લિંક. દરેક પ્લેટફોર્મ પર ફોલોઅર્સની ચોક્કસ સંખ્યા, સોશિયલ મીડિયા પર ઉમેદવારની સક્રિયતાનો ગ્રાફ.
નિશાના પર છે 'Gen Z' અને યુવા મતદારો
આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ 'Gen Z' (ઝેડ જનરેશન) અને યુવા મતદારો છે. ભાજપનું માનવું છે કે આજનો યુવા મતદાર પરંપરાગત પ્રચાર કરતા સોશિયલ મીડિયા પર વધુ સક્રિય છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં યુવા મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે. તેમને આકર્ષવા માટે સોશિયલ મીડિયા એ સૌથી પ્રભાવશાળી શસ્ત્ર છે."
જૂની પેઢીના નેતાઓ માટે જોખમની ઘંટડી?
આ નવા નિયમથી પૂર્વ કોર્પોરેટરો અને જૂની પેઢીના નેતાઓમાં ફફડાટ ફેલાયો છે. રાજકોટમાં તાજેતરમાં મળેલી બેઠકમાં પ્રભારી અનિરુદ્ધ દવેએ તમામ કોર્પોરેટરોને વિકાસ કાર્યોની 'રીલ્સ' બનાવી અપલોડ કરવા સૂચના આપી હતી, પરંતુ મોટાભાગના નેતાઓ તેમાં નિષ્ફળ રહ્યા છે. અનેક પૂર્વ કોર્પોરેટરો ટેકનો-સેવી નથી, જેનો સીધો ફાયદો યુવા કાર્યકરોને મળી શકે છે. આ વખતે સમર્થકોના ટોળા લાવીને શક્તિ પ્રદર્શન કરવાને બદલે 'ડિજિટલ ઇમ્પેક્ટ' પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે.
સરલ અને નમો એપ: ઉમેદવારનું ડિજિટલ રિપોર્ટ કાર્ડ
ભાજપે સ્પષ્ટ કર્યું છે કે ઉમેદવારના મોબાઈલમાં સરલ (Saral) અને નમો (NaMo) એપ હોવી અનિવાર્ય છે. પ્રદેશ ભાજપ દ્વારા આ એપના ડેટાના આધારે ઉમેદવારના બુથ લેવલના કામ અને ડિજિટલ સક્રિયતાની ચકાસણી કરવામાં આવશે. ભાજપનો આ નવો પ્રયોગ સૂચવે છે કે આગામી દિવસોમાં ચૂંટણી મેદાનમાં માત્ર નારાઓ જ નહીં, પણ હેશટેગ્સ અને વાયરલ વીડિયો પણ ઉમેદવારનું ભવિષ્ય નક્કી કરશે. હવે જોવાનું એ રહેશે કે 'લાઈક્સ' અને 'ફોલોઅર્સ' ના આધારે ટિકિટ મેળવનારા ઉમેદવારો જમીની સ્તરે મતદારોનું કેટલું દિલ જીતી શકે છે!





