Home Gujarat Dudhsagar Dairy Fat Price Hike Snf Payment Mehsana

પશુપાલકો માટે ખુશખબર : દૂધસાગર ડેરીએ દૂધના ફેટના ભાવમાં કર્યો 25 રૂપિયાનો વધારો, SNFના પણ અલગથી મળશે પૈસા

Mehsana News
Published by: Viral Patel
Last Updated: May 27, 2026, 12:05 PM IST

Mehsana News: ઉત્તર ગુજરાતના પશુપાલકો અને દૂધ ઉત્પાદકો માટે મહેસાણાની દૂધસાગર ડેરી તરફથી ખૂબ જ મોટા અને આનંદના સમાચાર સામે આવ્યા છે. દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી અને નિયામક મંડળ દ્વારા પશુપાલકોના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ડેરી દ્વારા દૂધના ફેટના ખરીદ ભાવમાં ધરખમ વધારો કરવાની સાથે-સાથે ગુજરાતમાં પ્રથમ વખત એક અનોખી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.

IITE ગાંધીનગરનો ઐતિહાસિક નિર્ણય : NEP-2020 અંતર્ગત 7 નવી યુનિવર્સિટી સ્કૂલ્સ સ્થપાઈ

કિલો ફેટનો ભાવ રૂ. 830 થી વધીને રૂ. 855 થયો

દૂધસાગર ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોના આર્થિક હિતને ધ્યાનમાં રાખીને દૂધના ફેટના ભાવમાં રૂપિયા 25નો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયના કારણે હવે પ્રતિ કિલો દૂધ ફેટનો ભાવ રૂ. 830 થી વધીને રૂ. 855 થઈ ગયો છે. આ ભાવ વધારાથી પશુપાલકોની આવકમાં સીધો વધારો થશે અને મોંઘવારીના સમયમાં તેમને મોટી આર્થિક રાહત મળશે.

સમગ્ર ગુજરાતમાં દૂધસાગર ડેરી બનશે પ્રથમ: હવે ફેટની સાથે SNFના પણ મળશે પૈસા

સામાન્ય રીતે ગુજરાતની તમામ ડેરીઓ દૂધ ઉત્પાદકોને માત્ર દૂધના ફેટ (Fat)ના આધારે જ પૈસા ચૂકવે છે. પરંતુ દૂધસાગર ડેરીએ પશુપાલકોના ફાયદા માટે એક ક્રાંતિકારી નિર્ણય લીધો છે. હવેથી દૂધ ઉત્પાદકોને ફેટના પૈસા તો મળશે જ, પરંતુ તેની સાથે-સાથે SNF (Solid-Not-Fat) ના પણ અલગથી વધારાના પૈસા ચૂકવવામાં આવશે.

શું છે આ નવો નિર્ણય?

દૂધ ઉત્પાદકોને અત્યાર સુધી જે ફેટના પૈસા મળતા હતા, તેની સાથે હવે દૂધમાં રહેલા મલાઈ વગરના ઘન પદાર્થો એટલે કે SNFના પણ વધારાના નાણાં ચૂકવાશે. ફેટ અને SNF બંનેના આધારે પશુપાલકોને પૈસા ચૂકવનારી દૂધસાગર ડેરી સમગ્ર ગુજરાતમાં પહેલી ડેરી બની ગઈ છે.

"તમે ટ્રેનમાં કેમ?" : ટ્રેનમાં મુસાફરી કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને બાળકીનો સવાલ, જવાબે સૌના દિલ જીતી લીધા

પશુપાલકોને વાર્ષિક રૂ. 100 કરોડથી વધુનો ફાયદો

ચેરમેન અશોક ચૌધરી અને નિયામક મંડળના આ સંયુક્ત નિર્ણયના કારણે ઉત્તર ગુજરાતના લાખો દૂધ ઉત્પાદકોમાં ખુશીનો માહોલ છે. દૂધના ફેટના ભાવમાં થયેલો આ વધારો અને SNFના અલગથી વધારાના પૈસા ચૂકવવાની નવી નીતિના કારણે દૂધ ઉત્પાદકોને વાર્ષિક ૧૦૦ કરોડ રૂપિયાથી પણ વધુનો મોટો આર્થિક ફાયદો થવાનો અંદાજ છે. દૂધસાગર ડેરીનો આ નિર્ણય પશુપાલન વ્યવસાયને વધુ મજબૂત અને નફાકારક બનાવશે, તેમજ શ્વેત ક્રાંતિની દિશામાં એક નવું સીમાચિહ્ન સાબિત થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now