સરહદી વિસ્તારમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે કચ્છના ભુજ સહિતના વિસ્તારોમાં ત્રીજા દિવસે પણ પાકિસ્તાની ડ્રોન ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ તમામ ડ્રોન હુમલાને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવતાં ભારે નુકસાન થતું અટકાવ્યું છે. સતત આવી પ્રવૃત્તિઓના પગલે સમગ્ર કચ્છમાં સુરક્ષા એજન્સીઓએ ચુસ્ત પેટ્રોલિંગ શરૂ કર્યું છે અને હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
હવામાનમાં ભીંજવટ સાથે શનિવારે સવારે 5 થી 6 વાગ્યાની વચ્ચે ભુજ અને નલિયા એરફોર્સ બેઝ ઉપર ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ થયો હતો. ભુજ એરબેઝના બહારના ભાગમાં આંશિક નુકસાન થયું હોવાની પુષ્ટિ થઈ છે, જોકે મોટું નુકસાન ટાળવામાં સેનાને સફળતા મળી છે. પાલારા નજીકના વિસ્તારમાં પણ ડ્રોન તોડી પાડવામાં આવ્યો હતો.
શનિવાર દરમિયાન માત્ર ભુજ તાલુકામાં 8, અબડાસા-હરામીનાળા વિસ્તારમાં 9 અને ગાંધીધામ વિસ્તારમાં 1 ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત નલિયા અને આસપાસના વિસ્તારોમાં 2 ડ્રોન તોડી પાડવામાં આવ્યા. પાટ, કાળા તળાવ અને નાની ધુફી જેવા ગામો પર પણ ડ્રોન દ્રષ્ટિગોચર થયા હતાં.
ડ્રોનના અવશેષો વિવિધ જગ્યાએ મળ્યાં
નાગોર ગામના સ્મશાન પાસે તૂટી ગયેલા ડ્રોનના ભાગો મળ્યા હતા.
આદિપુરની તોલાણી કોમર્સ કોલેજ પાસેના ઝાડીઓમાં અજાણ્યો પદાર્થ પડ્યો હતો, જે તૂટી ગયેલા ડ્રોનનો જ જણાવાયો છે.
લખપત તાલુકાના કુણઠીયા અને પડાલા ક્રીક વિસ્તાર તથા લક્કીનાળામાં પણ રાતે ડ્રોન દ્રષ્ટિગોચર થયા હતા.





