અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે અમેરિકાની ટેરિફ નીતિના કારણે APPLEએ 5 પ્લેન ભરીને iPhone ભારતથી અમેરિકા મોકલ્યા હતા જેથી તેઓને ટેરિફ ના નડે હવે એ જ પ્રકારે ડાયમંડ્સનો વારો આવ્યો છે. અમેરિકા દ્વારા ડાયમંડ અને જ્વેલરી પર ઉચ્ચ ટેરિફ લાગૂ કરવાનો નિર્ણય જાહેર થયા બાદ ભારતીય વેપારીઓએ માત્ર 5 દિવસમાં ₹4,351 કરોડનું એક્સપોર્ટ કરી ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. નવા ટેરિફનો અમલ 6 એપ્રિલથી શરૂ થતો હોવાથી વેપારીઓએ 1 એપ્રિલથી 5 એપ્રિલ વચ્ચે મોટી માત્રામાં માલ એક્સપોર્ટ કર્યો.
મુંબઈમાંથી સૌથી વધુ ₹4,299 કરોડનું એક્સપોર્ટ થયું, જેમાંથી ₹4,200 કરોડનું માલ માત્ર અમેરિકામાં જ મોકલવામાં આવ્યો છે. સુરતમાંથી પણ ₹52 કરોડનું એક્સપોર્ટ થયું, જેમાંથી ₹31 કરોડનો માલ અમેરિકામાં ગયો છે. કુલ નિકાસનો 97% ભાગ અમેરિકા તરફ ગયો.
ટેરિફમાં ઐતિહાસિક વધારો
સમયગાળો ડાયમંડ ટેરિફ જ્વેલરી ટેરિફ
5 એપ્રિલ સુધી 0% 6%
6 એપ્રિલથી 8 જૂન સુધી 10% 16%
9 જૂનથી (આશંકિત) 26% 36%
ટેરિફ વધારાની જાહેરાતથી વેપારીઓ ડરી ગયા હતા જેથી કરીને વેપારીઓએ તાત્કાલિક ઓર્ડર અમલમાં મૂક્યા હતા. અનેક કારખાનાઓએ ઓવરટાઈમ શરૂ કરી દીધો છે. સામાન્ય રીતે સવારે 10થી સાંજે 6 સુધી ચાલતી ફેક્ટરીઓ હવે રાત્રે 8 વાગ્યા સુધી કાર્યરત રહે છે.
મુંબઈ કસ્ટમ ઓફિસે પણ 24x7 કામગીરી
વિશાળ એક્સપોર્ટ ઓર્ડર્સને કારણે મુંબઈ કસ્ટમ વિભાગે પણ શનિવાર અને રવિવારે 24 કલાક કામગીરી કરી હતી. આ 5 દિવસ દરમિયાન શનિ-રવિના કારણે સામાન્ય રીતે કામગીરી ધીમી રહેતી હોય છે, પરંતુ આ વખતે ઇતિહાસમાં સૌથી વધુ નિકાસ નોંધાયો છે.




















