Home Gujarat Dhuleti Accident Ahmedabad 3 Children Drown Sitapur 4 Youths Drown Sabarmati River

ધુળેટીનો ઉત્સવ માતમમાં ફેરવાયો : અમદાવાદમાં 3 બાળકો સહિત 7 ના મોત

ધુળેટીનો ઉત્સવ માતમમાં ફેરવાયો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 05, 2026, 06:18 AM IST

ધુળેટીના તહેવાર દરમિયાન અમદાવાદ જિલ્લામાં બે અલગ અલગ સ્થળોએ બનેલી દુઃખદ ઘટનાઓમાં કુલ 7 લોકોના ડૂબી જવાથી મોત થયા છે. આ ઘટનાઓને કારણે સમગ્ર વિસ્તારમાં સોપો પડી ગયો છે.

માંડલના સીતાપુરમાં ત્રણ બાળકોના મોત

અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના સીતાપુર ગામમાં ધુળેટીના દિવસે ઝોલાસર તળાવમાં ન્હાવા ગયેલા ત્રણ બાળકોના ડૂબી જવાથી કરૂણ મોત થયા હતા. ત્રણેય બાળકોની ઉંમર આશરે 9 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ સીતાપુર ગામના જ રહેવાસી હતા.

પ્રાથમિક માહિતી મુજબ, ધુળેટીની ઉજવણી બાદ બાળકો રંગો ઉતારવા માટે ઝોલાસર તળાવમાં ન્હાવા માટે ગયા હતા. તળાવમાં ન્હાતી વખતે તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા. બાળકો ડૂબી રહ્યા હોવાની જાણ થતાં જ ગામલોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમને બચાવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા અને ત્રણેય બાળકોના મોત નીપજ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ત્રણેય બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સાબરમતીમાં ડૂબી જવાથી 4 યુવકોના મોત

બીજી તરફ અમદાવાદ શહેરમાં સાબરમતી નદીમાં ન્હાવા ગયેલા ચાર યુવકોના પણ ડૂબી જવાથી મોત થયા છે. ધુળેટીનો તહેવાર હોવાથી કુબેરનગર વિસ્તારમાં રહેતા સાહિલ, પિયુષ, દુર્ગેશ અને સન્ની નામના 4 મિત્રો નદીમાં ન્હાવા માટે ગયા હતા.

શહેરના કોતરપુર વોટર વર્ક્સ પાછળથી પસાર થતી સાબરમતી નદીમાં ન્હાતી વખતે અચાનક ચારેય યુવકો ડૂબવા લાગ્યા હતા. ત્યાંથી પસાર થતા એક વ્યક્તિએ 3 યુવકો ડૂબી રહ્યા હોવાની માહિતી ફાયર બ્રિગેડને આપી હતી.

માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. શરૂઆતમાં 3 યુવકો ડૂબ્યા હોવાની માહિતી મળી હતી, પરંતુ શોધખોળ દરમિયાન ચારેય યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં રિવરફ્રન્ટ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ચારેય યુવકો કુબેરનગર વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં તેમના પરિવારજનો સ્થળ પર પહોંચી ગયા હતા. પોતાના દીકરાઓને મૃત હાલતમાં જોઈને પરિવારજનોમાં રડાકા મચી ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now