અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવી છે. માત્ર બાઈક ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું અને અંતે એક યુવકની કરપીણ હત્યા કરવામાં આવી. આ હત્યાના વિરોધમાં ફાટી નીકળેલી હિંસા, આગચંપી અને તોડફોડને પગલે હવે પોલીસ તંત્ર સફાળું જાગ્યું છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા રાજ્ય સરકારે આ કેસની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ને સોંપવાની જાહેરાત કરી છે.
બાઈક ઓવરટેકની સામાન્ય તકરાર હત્યામાં પરિણમી
ઘટનાની વિગત મુજબ, ધંધુકામાં 30 વર્ષીય યુવક ધર્મેશ ગમારા અને અન્ય બે શખ્સો સમીર તથા રિઝવાન વચ્ચે બાઈક ઓવરટેક કરવા જેવી બાબતે બોલાચાલી થઈ હતી. જે વિવાદ બાદમાં ઉગ્ર બન્યો હતો. ઉશ્કેરાયેલા હુમલાખોરોએ ધર્મેશ પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ કરપીણ હત્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ ધંધુકાના સ્થાનિક લોકો અને માલધારી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો.
125 લોકો સામે રાયોટિંગનો ગુનો
હત્યા બાદ ઉશ્કેરાયેલા ટોળાએ શહેરના વિવિધ વિસ્તારોમાં તોડફોડ અને આગચંપી શરૂ કરી હતી. આશરે 100 થી 125 લોકોના બેકાબૂ ટોળાએ અનેક દુકાનો, ગેરેજ, હોટેલો અને વાહનોને નિશાન બનાવ્યા હતા. હિંસાની આ ઘટનાને ડામવા માટે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આ મામલે ધંધુકા પોલીસ સ્ટેશનના PSI હર્ષરાજસિંહ ઝાલા પોતે ફરિયાદી બન્યા છે અને તોડફોડ કરનારા 125 લોકો સામે રાયોટિંગ (હુલ્લડ) ની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. અત્યાર સુધીમાં 25 જેટલા શંકાસ્પદ શખ્સોની અટકાયત કરવામાં આવી છે.
લોખંડી પોલીસ બંદોબસ્ત અને મેગા કોમ્બિંગ
ધંધુકામાં સ્થિતિ વધુ ન બગડે તે માટે અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટ અને રેન્જ IG સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે ધામા નાખ્યા છે. સમગ્ર શહેરમાં એસઆરપી (SRP) ની હથિયારબંધ ટુકડીઓ તહેનાત કરવામાં આવી છે. 200 થી વધુ પોલીસકર્મીઓએ સંવેદનશીલ વિસ્તારોમાં મેગા કોમ્બિંગ હાથ ધરીને ઘરે-ઘરે તલાશી લીધી હતી. આ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને કેટલાક ધારદાર હથિયારો પણ મળી આવ્યા છે, જે જપ્ત કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારા તત્વો પર સાયબર ક્રાઈમની ટીમ સતત વોચ રાખી રહી છે.
આ પણ વાંચો: સુરતમાં નોકરી માટે ધાર્મિક ઓળખ દૂર કરવાની શરત? : ઘટના બાદ કરાયો ઉગ્ર વિરોધ
SIT તપાસ અને સ્પેશિયલ પ્રોસિક્યુટરની નિમણૂક
આ કેસમાં પીડિત પરિવારને વહેલી તકે ન્યાય મળે તે હેતુથી એસપી ઓમ પ્રકાશ જાટે SIT ની રચનાની જાહેરાત કરી છે. જેમાં DySP પ્રકાશ પ્રજાપતિ, 2 PI રઘુ કરમતિયા અને કરણ વિહોલ અને PSI એસ.એચ. ઝાલાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આ કેસની ટ્રાયલ ફાસ્ટ ટ્રેક પર ચાલે તે માટે સરકાર દ્વારા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે ગુનેગારો ભલે ગમે તેટલા વગદાર હોય, તેમને છોડવામાં આવશે નહીં.
અગાઉની ઘટનાઓના પડઘા
ધર્મેશ ગમારાની અંતિમ યાત્રામાં હજારોની મેદની ઉમટી પડી હતી. સમાજના અગ્રણીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, ધંધુકામાં અગાઉ પણ કિશન ભરવાડ જેવા યુવકની હત્યા થઈ હતી, તેમ છતાં અસામાજિક તત્વોમાં કાયદાનો ડર દેખાતો નથી.





