સુરતના વેસુ વિસ્તારમાં બનેલી એક ઘટનાએ માત્ર શહેરમાં નહીં પરંતુ રાજ્યસ્તરે ચર્ચા જગાવી છે. નોકરી માટે ગયેલા હિન્દુ યુવાનને તેની ધાર્મિક ઓળખ દૂર કરવાની શરત મૂકાઈ હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આ ઘટનાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બેરોજગારીને સાધન બનાવીને ધર્મ ભૂલાવી દેવાના ષડયંત્રથી લોકોમાં રોષ.
ટ્રેનિંગ દરમિયાન કરાયું દબાણ
જીલ વઘાસિયા નામના યુવાને વેસુ વિસ્તારમાં આવેલી એક કંપનીમાં નોકરી માટે અરજી કરી હતી. ટ્રેનિંગ દરમિયાન જ તેને તિલક અને ધાર્મિક ટેટૂ દૂર કરવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાનો આરોપ છે. યુવાનનો દાવો છે કે કંપનીના પ્રતિનિધિઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે “આ બધું દૂર કરશો તો જ નોકરી મળશે.” પાંચમાંથી બે યુવાનોએ દબાણમાં આવીને પોતાનો તિલક દૂર કર્યો હોવાનો પણ દાવો છે.
યુવાનનો મક્કમ નિર્ણય
જીલ વઘાસિયાએ આ શરતો સ્વીકારવાને બદલે નોકરી ઠુકરાવવાનો નિર્ણય લીધો. જીલ વઘાસિયાએ સ્પષ્ટ કહ્યું કે નોકરી માટે પોતાની ધાર્મિક ઓળખ છોડી દેવી સ્વીકાર્ય નથી. આ નિર્ણય પછી તેમણે માત્ર સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હી પોલીસ સુધી લેખિત ફરિયાદ નોંધાવી છે. સાથે જ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પણ રજૂઆત કરવામાં આવી છે.
સુરતમાં ઉગ્ર વિરોધ
આ પ્રકારની ઘટના સામે આવતા સુરતમાં વિવિધ સંગઠનોએ ઉગ્ર વિરોધ કર્યો. સરથાણા જકાતનાકા વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા અને કંપની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. વિરોધ દરમિયાન પૂતળા દહન કરવામાં આવ્યું અને “નોકરીમાં ભેદભાવ” સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી. સંગઠનોએ ચેતવણી આપી છે કે જો આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આવનારા સમયમાં વેસુ સ્થિત કંપનીની
ઓફિસ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
કંપની તરફથી કોઈ સત્તાવાર જવાબ નહીં
હાલ સુધી આ મામલે કંપની તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. આ કારણે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. શું આ ખરેખર કંપનીની નીતિ હતી કે વ્યક્તિગત સ્તરે કોઈ નિર્ણય લેવામાં આવ્યો હતો? પોલીસ તપાસ બાદ જ આ મુદ્દે સ્પષ્ટતા થઈ શકશે.
હાલ પોલીસ ફરિયાદના આધારે તપાસ શરૂ થઈ શકે છે. જો આક્ષેપો સાબિત થાય, તો કંપની સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે. સાથે જ, સરકાર અને સંસ્થાઓને પણ આવી ઘટનાઓ સામે સ્પષ્ટ માર્ગદર્શિકા બનાવવાની જરૂરિયાત અનુભવાઈ શકે છે.





