જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે થયેલી આતંકી ઘટનાની પૃષ્ઠભૂમિમાં ગુજરાત પોલીસે ઓપરેશન શરૂ કર્યું છે. અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં બિનકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને શોધી તેમની ધરપકડ કરી કાઢવાની કાર્યવાહી શરૂ થઈ છે. શહેરના ચંડોળા વિસ્તારમાં – જેને સ્થાનિક સ્તરે ‘મિનિ બાંગ્લાદેશ’ તરીકે ઓળખવામાં આવે છે – તંત્ર દ્વારા મોટા પાયે ડિમોલીશન હાથ ધરવામાં આવ્યુ. જેમાં અંદાજે 4,000 જેટલી રહેણાંક મકાનોને તોડી પાડવામાં આવ્યા.
વિપક્ષના મોટા આક્ષેપ
કોંગ્રેસે આ મુદ્દે સરકારની નીતિ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. પાર્ટીના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે બાંગ્લાદેશી નાગરિકોની ઝડપથી ધરપકડ થવી એ દર્શાવે છે કે તંત્રને અગાઉથી જાણ હતી –છતાં સમયસર પગલાં ન લેવાયા.
તેમણે વધુમાં જણાવ્યું કે, “ઘૂસણખોરી રાષ્ટ્ર માટે ખતરો છે, અને આવી પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવાની જરૂર છે. પરંતુ જવાબદારીથી કામ લેવું એ પણ તંત્રની ફરજ છે.” ભાજપ સરકારના શાસન દરમિયાન બાંગ્લાદેશી નાગરિકો ગુજરાત સુધી કેવી રીતે પહોંચ્યા તેની પણ તેમની પાસે સ્પષ્ટતા હોવી જોઈએ, એવો આક્ષેપ કર્યો હતો.
શૈલેષ પરમારનો આરોપ – ભારતીય નાગરિકોને પણ ઠેકાણ વિહોણા કરવામાં આવ્યા
વિધાનસભાના સભ્ય શૈલેષ પરમારએ પણ તંત્રની કામગીરી સામે કડક વલણ દાખવ્યું છે. તેમનું કહેવું છે કે ઘણા નાગરિકો છેલ્લા અનેક દાયકાઓથી ત્યાં વસવાટ કરી રહ્યાં હતા, અને તેમની પાસે યોગ્ય દસ્તાવેજો હોવા છતાં, કોઈ પણ પ્રકારની નોટિસ વિના તેમના ઘરો તોડી પાડવામાં આવ્યા.
તેમણે જણાવ્યું કે, “પકડી પાડવામાં આવેલા લોકોમાંથી માત્ર 90 જ બાંગ્લાદેશી છે, બાકીના બધા ભારતીય છે. તેમ છતાં, આખી વસાહતને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી છે. આ કાર્ય પદ્ધતિપૂર્વકના સર્વે વિના કરાયું છે.”
પરમારએ AMCની જૂની નીતિઓ અને સાબરમતી રિવરફ્રન્ટ કેસનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, "જે લોકોએ ઘરો ગુમાવ્યા છે તેમને પુનઃ વસાવવાની જવાબદારી સરકારની છે. માનવતાની દ્રષ્ટિએ અને કાયદાકીય દ્રષ્ટિકોણે પણ તેમને ઓલ્ટરનેટિવ રહેવાનું સ્થળ આપવા જોઈએ."
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ





