Home Gujarat Demand For Making Rose Cylinders Umbrellas Parasols Tridents And Hammers In Dhuleti

બજારમાં રંગોની રંગત જામી! : ધૂળેટીમાં ગુલાલ સિલિન્ડર, છત્રી, ફરસી, ત્રિશૂલ, હથોડી પિચકારીની ડિમાન્ડ, ભાવ રૂ.20 થી રૂ.4000 સુધી...

બજારમાં રંગોની રંગત જામી!
Published by: OBS Bureau
Last Updated: Mar 01, 2026, 03:46 AM IST

ધૂળેટીનો તહેવાર નજીક આવતા અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના શહેરમાં રંગોની ખરીદીનો માહોલ જામ્યો છે. બજારમાં સવારથી જ લોકોની ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને પિચકારી, ગુલાલ, કલર અને બલૂન્સની ખરીદીમાં ભારે રોનક જોવા મળી રહી છે. નાના બાળકો થી લઈને યુવાઓ સુધી દરેક વર્ગના લોકો પોતાની પસંદગી મુજબ સામાન ખરીદતા નજરે પડે છે.

છત્રી, ફરસી, ત્રિશૂલ, હથોડી, તલવાર, ભાલા અને ગદા પિચકારીઓનો ક્રેઝ

આ વર્ષે બજારમાં અવનવી અને આકર્ષક ડિઝાઇનની પિચકારીઓ ઉપલબ્ધ છે. ગુલાલ સિલિન્ડર, છત્રી, ફરસી, ત્રિશૂલ, હથોડી, તલવાર, ભાલા અને ગદા જેવી અલગ-અલગ આકારોની પિચકારીઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે. બાળકો માટે કાર્ટૂન કેરેક્ટરવાળી પિચકારીઓની ખાસ માંગ છે, કારણ કે બાળકો પોતાના મનપસંદ પાત્રવાળી પિચકારી લેવા માટે ઉત્સાહિત છે.

રૂ.20 થી રૂ.4000 સુધીની અવનવી પિચકારી ઉપલબ્ધ

ભાવની વાત કરીએ તો રૂ. 20 થી લઈને રૂ. 4000 સુધીની અવનવી પિચકારીઓ બજારમાં ઉપલબ્ધ છે. સામાન્ય પિચકારી ઓછા ભાવે મળી રહી છે તો મોટી અને ખાસ ડિઝાઇનવાળી પિચકારી ઊંચા ભાવે વેચાઈ રહી છે. રંગોના ભાવ રૂ. 20 થી 550 સુધી છે. ઉપરાંત રૂ. 200 થી રૂ. 2000 સુધીના ગુલાલ સિલિન્ડર પણ ઉપલબ્ધ છે, જેને યુવાઓ ખાસ પસંદ કરી રહ્યા છે.

આ વર્ષે ફ્રુટની સુગંધ સાથેના હર્બલ કલરની પણ માંગ વધી છે. લોકો કેમિકલમુક્ત અને ત્વચાને નુકસાન ન પહોંચાડે એવા રંગોને પ્રાથમિકતા આપી રહ્યા છે. વેપારીઓના જણાવ્યા મુજબ ધૂળેટી નજીક આવતાં ખરીદીમાં હજી વધુ વધારો થવાની શક્યતા છે. સમગ્ર બજારમાં તહેવારનો રંગીન માહોલ છવાયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now