Home National Delhi Police Action Fake Bomb Threat Isro Drdo Nia

ISRO-DRDO સહિત ટોચની સંસ્થાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મામલે કાર્યવાહી઼ : ગાઝિયાબાદમાંથી શંકાસ્પદની પૂછપરછ

ISRO, DRDO, NIA, Bomb Threat
Published by: OBS Bureau
Last Updated: Jul 03, 2026, 05:43 PM IST

દેશની સુરક્ષા સાથે જોડાયેલી અનેક અગ્રણી સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવાના મામલે દિલ્હી પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. 29 જૂને મોકલાયેલા ધમકીભર્યા ઈમેલ બાદ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર આવી ગઈ હતી અને દેશભરના અનેક મહત્વના સરકારી કાર્યાલયો તથા સંવેદનશીલ સ્થળોએ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. હવે આ સમગ્ર કેસમાં દિલ્હી પોલીસે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાંથી એક શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરી છે. પ્રાથમિક તપાસમાં તમામ ધમકીઓ ખોટી હોવાનું સામે આવ્યું છે, પરંતુ ઈમેલ મોકલવા પાછળનો હેતુ શું હતો તે અંગે હજુ તપાસ ચાલુ છે.

29 જૂને મળ્યા હતા ધમકીભર્યા ઈમેલ

પોલીસના જણાવ્યા મુજબ 29 જૂને અનેક મહત્વપૂર્ણ સંસ્થાઓને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ઈમેલમાં દેશની સુરક્ષા અને વ્યૂહાત્મક કામગીરી સાથે જોડાયેલી સંસ્થાઓ જેમ કે NIA, ISRO, NPCIL, DRDO, નાગરિક ઉડ્ડયન મંત્રાલય તેમજ દિલ્હીથી ન્યૂયોર્ક જતી એર ઈન્ડિયાની ફ્લાઇટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ધમકી મળતા જ સંબંધિત તમામ સ્થળોએ ઈમરજન્સી પ્રોટોકોલ અમલમાં મૂકવામાં આવ્યો હતો અને સુરક્ષા એજન્સીઓ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તથા અન્ય ટીમોએ સઘન તપાસ હાથ ધરી હતી. જોકે, તપાસ દરમિયાન કોઈપણ સ્થળેથી વિસ્ફોટક અથવા શંકાસ્પદ સામગ્રી મળી આવી નહોતી.

ટેક્નિકલ તપાસ બાદ ગાઝિયાબાદ સુધી પહોંચી પોલીસ

ધમકીભર્યા ઈમેલની ટેક્નિકલ તપાસ દરમિયાન મળેલા ડિજિટલ સૂત્રોના આધારે દિલ્હી પોલીસ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના સંયોગ નગર વિસ્તારમાં પહોંચી હતી. અહીં બેંક કોલોનીમાં રહેતા 36 વર્ષીય નિશાંત ત્યાગીની પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તેના નિવાસસ્થાને તપાસ પણ કરવામાં આવી હતી, પરંતુ ત્યાંથી કોઈ વિસ્ફોટક સામગ્રી કે અન્ય શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી.

પ્રાથમિક તપાસમાં પોલીસને એવી માહિતી મળી છે કે નિશાંત ત્યાગી વર્ષ 2008થી ગંભીર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાથી પીડાઈ રહ્યો છે અને દેશની અનેક જાણીતી હોસ્પિટલોમાં તેની સારવાર પણ થઈ ચૂકી છે. જોકે, પોલીસે સ્પષ્ટ કર્યું છે કે સમગ્ર મામલાની તપાસ હજુ ચાલુ છે અને માત્ર પ્રાથમિક માહિતીના આધારે કોઈ અંતિમ નિષ્કર્ષ પર પહોંચવામાં આવ્યું નથી. ઈમેલ મોકલવાનો હેતુ શું હતો, તેમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલો છે કે નહીં અને સમગ્ર ઘટનાક્રમ પાછળનું કારણ શું છે તે અંગે વિવિધ પાસાઓથી તપાસ કરવામાં આવી રહી છે. તપાસના આધારે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ISROને મળેલી ધમકીએ વધારી હતી ચિંતા

આ સમગ્ર મામલામાં સૌથી વધુ ગંભીરતાથી લેવામાં આવેલ મુદ્દો ISROના મુખ્યાલયને મળેલી બોમ્બની ધમકી હતી. ઈમેલ મળતા જ અધિકારીઓએ તાત્કાલિક ઈમરજન્સી પ્રોટોકોલ અમલમાં મૂક્યો હતો. સુરક્ષાના ભાગરૂપે સમગ્ર પરિસરને ખાલી કરાવવામાં આવ્યો હતો અને આસપાસના વિસ્તારમાં પણ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, સુરક્ષા દળો અને અન્ય તપાસ એજન્સીઓએ સમગ્ર કેમ્પસનું સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. લાંબી તપાસ બાદ કોઈપણ પ્રકારનો વિસ્ફોટક અથવા શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી, જેના કારણે ધમકી ખોટી હોવાનું સ્પષ્ટ થયું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now