વિશ્વમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઊર્જા સુરક્ષા સૌથી મોટા પડકારોમાંથી એક બની ગઈ છે. પહેલા રશિયા-યુક્રેન યુદ્ધ અને ત્યારબાદ પશ્ચિમ એશિયામાં વધેલા તણાવને કારણે કાચા તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોના વૈશ્વિક પુરવઠા પર ગંભીર અસર પડી છે. અનેક દેશોમાં રિફાઇનરીઓ બંધ થઈ રહી છે અથવા તેમની ઉત્પાદન ક્ષમતા ઘટી રહી છે. આવી સ્થિતિમાં ભારતે ઊર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ વધુ એક મોટું પગલું ભર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના બાડમેર જિલ્લાના પચપદ્રા (બાલોતરા) ખાતે HPCL Rajasthan Refinery Limited (HRRL)ની નવી ગ્રીનફિલ્ડ રિફાઇનરી અને પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ ભારતની રિફાઇનિંગ ક્ષમતા વધારવા ઉપરાંત વૈશ્વિક ઊર્જા બજારમાં દેશની સ્થિતિને વધુ મજબૂત બનાવશે.
79 હજાર કરોડથી વધુના ખર્ચે તૈયાર થઈ વિશ્વસ્તરીય રિફાઇનરી
HRRLની આ ગ્રીનફિલ્ડ રિફાઇનરીની કુલ કિંમત અંદાજે 79,459 કરોડ રૂપિયા છે. આ પ્રોજેક્ટમાં દર વર્ષે 90 લાખ મેટ્રિક ટન (9 MMTPA) કાચા તેલને રિફાઇન કરવાની ક્ષમતા છે. ઉપરાંત દર વર્ષે 24 લાખ મેટ્રિક ટન પેટ્રોકેમિકલ ઉત્પાદનો બનાવવાની ક્ષમતા પણ વિકસાવવામાં આવી છે.
આ પ્રોજેક્ટ વર્ષ 2016માં શરૂ થયેલી ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC)ની પરાદીપ રિફાઇનરી બાદ ભારતની પ્રથમ મોટી ગ્રીનફિલ્ડ રિફાઇનરી અને પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ છે. નવી રિફાઇનરી શરૂ થતાં માત્ર પેટ્રોલ અને ડીઝલનું ઉત્પાદન જ નહીં, પરંતુ પેટ્રોકેમિકલ ઉદ્યોગને પણ મોટી ગતિ મળશે.
વૈશ્વિક સંકટ વચ્ચે ભારત માટે કેમ મહત્વની છે આ રિફાઇનરી?
કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટ એવા સમયે શરૂ થઈ રહ્યો છે જ્યારે વિશ્વના ઘણા દેશોમાં નવી રિફાઇનરીઓનું નિર્માણ અટકી ગયું છે. અમેરિકામાં વર્ષ 1976 બાદ કોઈ મોટી ગ્રીનફિલ્ડ રિફાઇનરી બની નથી, જ્યારે યુરોપમાં અનેક રિફાઇનરીઓ ધીમે-ધીમે બંધ થઈ રહી છે. અંદાજ છે કે વર્ષ 2030 સુધી યુરોપમાં દરરોજ 10થી 15 લાખ બેરલ ક્ષમતાની રિફાઇનરીઓ બંધ થઈ શકે છે.
ચીનના શેન્ડોંગ પ્રાંતમાં પણ નાની 'ટીપોટ રિફાઇનરીઓ' બંધ થવાની પ્રક્રિયા ચાલી રહી છે. આવી સ્થિતિમાં ભારત નવી આધુનિક રિફાઇનરીઓ ઉભી કરીને પોતાની ઊર્જા સુરક્ષા મજબૂત કરી રહ્યું છે અને ભવિષ્યમાં પેટ્રોલિયમ ઉત્પાદનોના વૈશ્વિક બજારમાં વધુ મોટી ભૂમિકા ભજવવા તૈયાર થઈ રહ્યું છે.
ભારતની ઊર્જા આત્મનિર્ભરતા તરફ મોટું પગલું
આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી (IEA)ના અહેવાલ અનુસાર વર્ષ 2030 સુધી વિશ્વમાં દરરોજ આશરે 42 લાખ બેરલ નવી રિફાઇનિંગ ક્ષમતા ઉમેરાશે, જ્યારે લગભગ 16 લાખ બેરલ ક્ષમતાની જૂની રિફાઇનરીઓ બંધ પણ થશે. નવા રોકાણોમાં ભારત અને ચીન સૌથી આગળ હોવાનું માનવામાં આવે છે.
જો કે ચીનમાં ઇલેક્ટ્રિક વાહનોના વધતા ઉપયોગને કારણે નવી રિફાઇનરીઓમાં રોકાણ ધીમું પડી શકે છે, જ્યારે ભારત આગામી વર્ષોમાં વધુ નવી રિફાઇનરીઓ સ્થાપવાની યોજના પર કામ કરી રહ્યું છે. આ કારણે ભારત એશિયામાં ઊર્જા ક્ષેત્રનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની શકે છે.
બાડમેર બાદ અન્ય રાજ્યોમાં પણ મોટા પ્રોજેક્ટ
કેન્દ્ર સરકાર માત્ર બાડમેર સુધી મર્યાદિત નથી. આંધ્ર પ્રદેશના રામાયપટ્ટણમ નજીક BPCL-OILની નવી રિફાઇનરીનો પ્રસ્તાવ છે. ઉપરાંત ગુજરાતમાં ONGCની સંભવિત ગ્રીનફિલ્ડ રિફાઇનરી અને બરૌની, નુમાલીગઢ તથા પાણીપત જેવી હાલની રિફાઇનરીઓની ક્ષમતા વધારવાના પ્રોજેક્ટ પર પણ ઝડપથી કામ ચાલી રહ્યું છે.
સરકારનો લક્ષ્યાંક વર્ષ 2028 સુધી દેશની કુલ રિફાઇનિંગ ક્ષમતા વધારીને લગભગ 31 કરોડ મેટ્રિક ટન પ્રતિ વર્ષ સુધી પહોંચાડવાનો છે. હાલમાં ભારતમાં કુલ 23 રિફાઇનરીઓ કાર્યરત છે, જેમની સંયુક્ત ક્ષમતા લગભગ 25.8 કરોડ મેટ્રિક ટન પ્રતિ વર્ષ છે.
શું સામાન્ય લોકોને મળશે સીધો લાભ?
નવી રિફાઇનરી શરૂ થવાથી દેશની પેટ્રોલિયમ ઉત્પાદનોની ઉત્પાદન ક્ષમતા વધશે અને લાંબા ગાળે સપ્લાય ચેઇન વધુ મજબૂત બનશે. જોકે પેટ્રોલ અને ડીઝલના ભાવ સીધા આ પ્રોજેક્ટના કારણે ઘટી જશે એવો અર્થ કાઢવો યોગ્ય નથી, કારણ કે ઇંધણના ભાવ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવ, વિનિમય દર, ટેક્સ અને અન્ય બજાર પરિબળો પર આધારિત હોય છે.
તેમ છતાં સ્થાનિક રિફાઇનિંગ ક્ષમતા વધવાથી આયાત પરનો આધાર ઘટી શકે છે, ઇંધણની ઉપલબ્ધિ વધુ સ્થિર બની શકે છે અને પેટ્રોકેમિકલ ઉદ્યોગને પણ મોટો ફાયદો મળી શકે છે. સાથે જ રોજગાર, ઔદ્યોગિક વિકાસ અને નિકાસમાં પણ વધારો થવાની સંભાવના છે.





