નવી દિલ્હી: ઇંગ્લેન્ડ સામેની ટી-20 શ્રેણીમાં 15 વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને સતત પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન ન મળતા ક્રિકેટ જગતમાં ચર્ચા તેજ બની છે. પૂર્વ ક્રિકેટરો અને ચાહકોના એક વર્ગે મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શ્રેયસ અય્યરના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ નિયામક મંડળ (BCCI) પણ સમગ્ર મામલે સામે આવ્યું છે અને ટીમ મેનેજમેન્ટનો ખુલ્લેઆમ બચાવ કર્યો છે.
વૈભવ સૂર્યવંશીએ IPL 2026માં શાનદાર પ્રદર્શન કરતાં 16 ઇનિંગ્સમાં 776 રન બનાવી 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ'નો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ તેને ભારતની ટી-20 ટીમમાં ઝડપી તક આપવામાં આવી હતી. જોકે આયર્લેન્ડ સામેની શ્રેણી બાદ ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટી-20 મેચમાં પણ તેને અંતિમ એકાદશમાં સ્થાન મળ્યું નહોતું, જેના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચા વધુ તેજ બની હતી.
BCCIએ શું કહ્યું?
BCCI સચિવ દેવજીત સૈકિયાએ સ્પષ્ટ કર્યું કે માત્ર એક અથવા બે મેચના આધારે ટીમ મેનેજમેન્ટના નિર્ણય પર સવાલ ઉઠાવવો યોગ્ય નથી. તેમણે કહ્યું કે ગૌતમ ગંભીર, કેપ્ટન શ્રેયસ અય્યર અને પસંદગી સમિતિ પાસે લાંબા ગાળાની યોજના છે અને યુવા ખેલાડીઓને યોગ્ય સમયે તક આપવામાં આવશે.
સૈકિયાએ ભારપૂર્વક જણાવ્યું કે ટીમની પસંદગી અને પ્લેઇંગ ઇલેવન નક્કી કરવાનો નિર્ણય ટીમ મેનેજમેન્ટનો હોય છે અને બોર્ડને કોચ તથા કેપ્ટન પર સંપૂર્ણ વિશ્વાસ છે. તેમણે ચાહકોને પણ ધીરજ રાખવાની અપીલ કરી હતી.
શું ફરી એકવખત ધોવાઈ જશે ઈન્ડિયા-ઈંગ્લેન્ડની મેચ?: પ્રથમ મેચ બાદ હવે ઓલ્ડ ટ્રેફોર્ડમાં પણ ભારે વરસાદની આગાહી!
પૂર્વ ક્રિકેટરોના અલગ-અલગ મત
વૈભવને તક ન મળતા પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ ખુલ્લેઆમ કહ્યું હતું કે આયર્લેન્ડ સામે તેને રમાડવો જેવો હતો. તેમના મતે વૈભવ જેવી નિર્ભય બેટિંગ કરનાર ખેલાડી ટીમ માટે 'એક્સ-ફેક્ટર' સાબિત થઈ શકે છે અને તેને લાંબા સમય સુધી બેન્ચ પર રાખવો યોગ્ય નથી.
બીજી તરફ પૂર્વ પસંદગીકાર સરંદીપ સિંહે પણ સૂચન કર્યું હતું કે જો ટીમ ભવિષ્ય માટે તૈયાર થઈ રહી હોય તો 'રોટેશન પોલિસી' અપનાવીને વૈભવ જેવા યુવા ખેલાડીઓને તક આપવી જોઈએ.
લાંબા ગાળાની તૈયારી પર ભાર
ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે ભારત પાસે હાલમાં ટોચના ક્રમમાં અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં દરેક ખેલાડીને તરત જ તક આપવી શક્ય બનતી નથી. ટીમ મેનેજમેન્ટ ખેલાડીઓની ફોર્મ, પિચ, વિરોધી ટીમ અને લાંબા ગાળાની વ્યૂહરચના ધ્યાનમાં રાખીને અંતિમ એકાદશ નક્કી કરે છે.
ભારતીય ટીમ હવે ઇંગ્લેન્ડ સામેની આગામી ટી-20 મેચ માટે તૈયારી કરી રહી છે. આવી સ્થિતિમાં વૈભવ સૂર્યવંશીને આગામી મેચોમાં તક મળે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.
શાહરુખ ખાનના નાઇટ રાઇડર્સ ગ્રુપે રચ્યો ઈતિહાસ: અમેરિકામાં શરૂ કર્યું પોતાનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ





